Monday, July 19, 2010

સંભાળના છોડ પર ખીલે સંબંધનાં તાજાં ફૂલ

Source: Shefali Pandya, Coverstory

સંબંધની સરગમમાં ઉમળકાનો લય તૂટે નહીં તે માટે સંબંધોને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ ન લેવા જોઈએ. ઘરના તમામ સભ્યોની જરૂરિયાતનું ખડે પગે ધ્યાન રાખતી મહિલાની લાગણીની દરકાર પરિવારના સભ્યોએ અચૂક કરવી જોઈએ. કમ સે કમ આપણા માટે જે કંઈ કરે છે તેની નોંધ લઈ વળતરરરૂપે પ્રશંસાના બે શબ્દો પણ જો કહીશું તો સંબંધનો સૂર ક્યારેય બેસૂરો નહીં થાય.

દીપિકા વર્કિંગ વુમન હોવાની સાથે ગૃહિણી તરીકેની ફરજ પણ સારી રીતે બજાવતી. સંયુક્ત પરિવારમાં રહેતી હોવાથી ઘરનું તમામ કામકાજ કુશળતાથી સંભાળતી. ઘરમાં સૌને એની એવી આદત પડી ગયેલી કે કોઇને એના વિના ચાલે નહીં. કંઇ પણ કામ હોય, દીપિકાએ જ કરવાનું. દીકરી માટે દૂધ બનાવવાથી લઇ, પતિ માટે ટિફિન, સાસુને મંદિરે જવા માટે પૂજાની થાળી, સસરાજી માટે સવારમાં બે વખત ચા બધું દીપિકા કરતી. જો કે હમણાંથી એને લાગતું હતું કે પોતે પરિવાર માટે દિવસભર કામ કરતી રહે છે, પણ પરિવારમાંથી કોઇ એને પૂછે છે ખરું કે દીપિકા તારે કંઇ મદદની જરૂર છે? તેમને ધીરે ધીરે એવી લાગણી ઊભી થવા લાગી હતી કે પોતાની આ ઘરમાં કિંમત નથી. સવાલ એ છે કે શા માટે દીપિકાએ જ બધાનું ધ્યાન રાખવાનું? કોઈ દીપિકાનું ધ્યાન શા માટે ન રાખે?

ઉપર જણાવ્યું તેવું આપણી સૌની સાથે થાય છે. સંબંધોમાં આવી વૃત્તિ જાણ્યે-અજાણ્યે આવી જતી હોય છે. જેને તમે ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ કહી શકો. આવા ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ સંબંધોમાં વ્યક્તિનું મહત્વ આપણા જીવનમાં ઘણુંબધું હોવા છતાં આપણે તેના અસ્તિત્વને વિસરી જઇએ છીએ. પરિણામે બને છે એવું કે આપણે તેના સુખદુ:ખ, લાગણી, સંવેદના પ્રત્યે બેદરકાર બની જઇએ છીએ અથવા તો તે તરફ ધ્યાન જ નથી આપતાં એમ પણ કહી શકાય. નિકટતમ સંબંધોમાં ખાસ આવું બને છે. દુનિયાની અને સમાજની ચિંતા કરવામાં આપણે પોતાનાની ચિંતા કરવાનું ભૂલી જઇએ છીએ, તેમના અસ્તિત્વને વિસરી જઇએ છીએ.

માતા-પિતા કે પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં આવું બનવાની શક્યતા વધારે રહે છે કારણ કે આ સંબંધોમાં એટલી નિકટતા હોય છે કે સામેવાળી વ્યક્તિનું પણ આગવું અસ્તિત્વ હોય તેનો વિચાર નથી આવતો. મિત્રો, પરિચિતો, સહકર્મચારીઓ સાથે આપણે જેટલો સંબંધ રાખીએ છીએ, તેમની સંભાળ બાબતે જેટલા ચિંતિત રહીએ છીએ, તેટલા અંગત સંબંધોમાં નથી રહેતા.

સવાલ એ થાય કે આવું કેમ બને છે? તેનું કારણ શું? તેનું કારણ છે, સ્વકેન્દ્રિતા. દીપિકાના કિસ્સામાં એ ઘરના દરેકની સંભાળ રાખે છે. બધાં તેના પર આધારિત છે અને એ દરેકની જરૂરિયાતની પૂર્તિ કરતી રહે છે. એવામાં એ પોતે પણ એક વ્યક્તિ છે, એનું આગવું અસ્તિત્વ છે એ વાત બધાં ભૂલી જાય છે.

સંબંધોને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવા પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણને જરૂર હોય ત્યારે આપણી આત્મીય વ્યક્તિ તો સાથે છે જ, પરંતુ એના પ્રત્યે આપણી કોઇ જવાબદારી નથી? આપણે એટલા સ્વાર્થી બની જઇએ છીએ કે તેમની પાસેથી આશા રાખવા લાગીએ છીએ, પણ તેઓ આપણી પાસેથી ક્યારેક કંઇ આશા રાખતાં હશે તેવો વિચાર પણ આપણને આવતો નથી. આપણે ક્યારેય એની મરજી-નામરજી, ઇચ્છા, ગમા-અણગમા કે જરૂરિયાત વિશે જાણવાની કોશિશ જ નથી કરતાં. આવી વૃત્તિને કારણે સંબંધોમાંથી ઉમળકો ઊડી જાય છે. સંબંધમાં રહેલી ભીનાશ ધીરે ધીરે નાશ પામે છે અને સામેવાળી વ્યક્તિને પોતે હાંસિયામાં ધકેલાઇ રહી હોવાનો અનુભવ થવા લાગે છે. પરિણામે સંબંધોનું લીલુંછમ ઝાડ ઠૂંઠું બની જાય છે.

સંબંધોને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ ન લેતાં થોડો સમય ફાળવીને એક વાર વિચાર કરવાની જરૂર છે કે જે વ્યક્તિનું આપણા જીવનમાં આટલું બધું મહત્વ છે તેના માટે આપણે શું કરીએ છીએ? સંબંધની સરગમમાં ઉમળકાનો લય તૂટે નહીં એ માટે આપણે શું કર્યું? સંબંધનો છોડ સતત વિકસતો રહે તે માટે ક્યારેય કોઇ પ્રયત્ન કર્યો છે ખરો?

સંબંધોને બચાવવા માટે એને સતત સિંચનની જરૂર છે - પ્રેમ, શબ્દો, લાગણીના સિંચનથી એને જીવિત રાખવા જોઇએ. આપણા જીવનમાં એ વ્યક્તિ છે, તેના અસ્તિત્વને સ્વીકારીએ, તેના પ્રત્યે આભારી રહીએ અને સૌથી શ્રેષ્ઠ ઉપાય છે, એ વ્યક્તિને ખુશ રાખવાનો. કેટલીક સામાન્ય છતાં નાની-નાની બાબતો પણ સંબંધોનો ઉમળકો જાળવવામાં ઉપયોગી નીવડે છે. જેમ કે, મમ્મી, આજે તેં રસોઇ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે એવું પોતાના સંતાનના મુખેથી સાંભળીને માતાનો આખા દિવસનો થાક ઉતરી જાય છે. ક્યારેક લોંગ ડ્રાઇવ પર જવું કે રજાના દિવસે પરિવારના સભ્યો સાથે મળીને વાતો કરે અથવા કોઇ રમત રમે જેવી પ્રવૃત્તિથી સંબંધોમાં ઉમળકો જળવાવાની સાથે તાજગી અનુભવાય છે. આત્મીયજન ખુશ હશે, તો જીવન ખુશાલીભર્યું બની જશે.

પોઇન્ટિલિઝમમાં પાવરધાં

Source: Shefali Pandya, Sajawat |



જામનગરના રિદ્ધિબહેન શેઠ ઇંગ્લિશ લિટરેચરમાં એમ.એ. કર્યા છતાં લેકચરર બનવાને બદલે પોતાના પેઇન્ટિંગના શોખને વિકસાવ્યો છે. તેઓ પાંચથી સાત ફૂટ મોટા પેઇન્ટિંગ દોરવાની સાથે અનેક આઉટડોર પ્રોજેક્ટ પણ કરે છે.

કોઇ પણ પ્રકારની તાલીમ કે કલાસ ભર્યા વિના પોતાના શોખને આગળ વધારવો અને અભ્યાસની સાથે એ શોખમાં કારકિર્દી બનાવી પોતાની આગવી સ્ટાઇલ ઊભી કરવી એ દરેક યુવતીની મહત્વાકાંક્ષા હોય છે. આવી મહત્વાકાંક્ષા પૂરી થાય તેનાથી વધારે નસીબદાર કઇ યુવતી ગણાય? મૂળ જામનગરનાં વતની રિદ્ધિબહેન શેઠ ઇંગ્લિશ લિટરેચર સાથે માસ્ટર ડિગ્રી ધરાવે છે, પણ પેઇન્ટિંગ અને રંગોળીમાં તેમણે આપસૂઝથી મેળવેલી નિપુણતા જોઇને દંગ રહી જવાય.

માત્ર છવીસ વર્ષના રિદ્ધિબહેનને નાનપણથી જ ડ્રોઇંગનો શોખ હોવાથી સ્કૂલમાં યોજાતી વિવિધ કોમ્પિટિશનમાં ભાગ લેતાં અને તેમાં પ્રાઇઝ પણ મેળવતાં. પોતે આ શોખમાં આટલાં આગળ વધી શક્યાં તે માટે પોતાના માતા-પિતાના સહયોગ વિશે એ કહે છે, ‘મને મમ્મી-પપ્પા તરફથી ભરપૂર સપોર્ટ મળ્યો છે. હા, અમારા ઘરમાં એવું કોઇ નહોતું કે જેના તરફથી મને માર્ગદર્શન મળે કે મારે કઇ રીતે મારા શોખમાં આગળ વધવું? પણ જ્યારે મારા મમ્મી-પપ્પાને ખ્યાલ આવ્યો, ત્યારથી તેમણે મને દરેક રીતે આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરી.’


રિદ્ધિબહેને ફાઇન આર્ટ્સનો પણ કોર્સ કર્યો છે. પેઇન્ટિંગ અને રંગોળીમાં તેમણે પોતાની આગવી સ્ટાઇલ વિકસાવી છે. ખાસ કરીને પેઇન્ટિંગમાં, જેને તેઓ પોઇન્ટિલિઝમ સ્ટાઇલ જણાવે છે. આ રીતે તેમણે સાત ફૂટથી પણ મોટા પેઇન્ટિંગ બનાવ્યાં છે. પેઇન્ટિંગ અને રંગોળીના શોખીન રિદ્ધિબહેન પાસેથી પોઇન્ટિલિઝમ પદ્ધતિથી પેઇન્ટિંગ કેવી રીતે બનાવવું તે જાણીએ.

પેઇન્ટિંગ બનાવવા માટે તમારે જોઇશે, કેન્વાસ કે ડ્રોઇંગ પેપર, પેઇન્ટિંગ બ્રશ, કલર્સ. સૌથી પહેલાં કેન્વાસ પર કોઇ પણ કલરનો એક કોટ કરો. તે સૂકાઇ ગયા પછી તમને ગમતી ડિઝાઈન ડ્રો કરો. ત્યાર બાદ એ ડિઝાઈન પર પેઇન્ટિંગ બ્રશથી પોઇન્ટ બનાવતાં જાવ. પોઇન્ટની થિકનેસ ડિઝાઈનને ધ્યાનમાં લઇ તમને યોગ્ય લાગે એટલી રાખો. સામાન્ય રીતે પોઇન્ટિલિઝમથી બનાવેલા પેઇન્ટિંગમાં સિંગલ કલર વધારે આકર્ષક લાગે છે. એમાંય કુદરતી ર્દશ્ય કે ફૂલ-વેલની ડિઝાઈન ધરાવતું પોઇન્ટિલિઝમ પેઇન્ટિંગ તો તમારા ડ્રોઇંગરૂમની શોભા ઓર વધારી દેશે.

સમાજને સંદેશો પાઠવતા સ્લોગન ટી-શર્ટ

Source: Shefali Pandya, Fashion


સમાજને કંઇ સંદેશો પાઠવવો હોય કે તમારા સ્વભાવ વિશે લોકોને જણાવવું હોય અને તે પણ કંઇ કહ્યા વિના તો કેવી રીતે જણાવશો? સિમ્પલ! આજની જનરેશન માટે સ્લોગન ટી-શર્ટ ફેશનની સાથોસાથ પોતાના એટિટ્યૂડ કે પસંદગી દર્શાવવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે અત્યારે કોઇ પણ કોલેજ પાસેથી પસાર થાવ તો તમને બાઇક પર ગ્રૂપમાં બેઠેલાં યુવક-યુવતીઓએ પહેરેલાં ટી-શર્ટ પર જાતજાતના સ્લોગન લખેલાં વાંચવા મળશે. જેમાં અત્યારે ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં રાખીને ‘ગો ગ્રીન’, ‘સેવ ટ્રી’, ‘લવ ટ્રી’ વગેરે સ્લોગનવાળા ટી-શર્ટ અત્યંત લોકપ્રિય છે. આનાથી આજની પેઢી એક્સાથે બે કામ કરે છે - ફેશન સાથે સમાજને સંદેશ.

કોલેજિયન યુવક-યુવતીઓની પ્રથમ પસંદ એવા આ સ્લોગન ટી-શર્ટ પર ઘણી વાર તો તેમને જે શોખ હોય, તેમનો મૂડ કેવો છે, તેમના પ્રિય ગાયક કોણ છે એવા ચિત્રો પણ દોરેલાં હોય છે. તેની સાથે સ્લોગન લખેલું હોય છે. જ્યારે ઘણી વાર આવા સ્લોગન ટી-શર્ટમાં પ્રેમની માગણી પણ કરવામાં આવે છે. જેમ કે, ‘લવ મી’, ‘વિલ યુ લવ મી?’, ‘આઇ લવ માયસેલ્ફ’ વગેરે સ્લોગન સાથે હાર્ટ દોરેલું હોય છે. સામાન્ય રીતે આવા ટી-શર્ટ કોલેજિયનમાં વધારે લોકપ્રિય હોય છે. જો કે આજકાલ તો વકિઁગ વુમન પણ વિવિધ સ્લોગનવાળા ટી-શર્ટ પહેરે છે.

કેટલીક યુવતીઓ પોતાને મનગમતા સ્લોગન ફેબ્રિક કલર્સથી જાતે જ ટી-શર્ટ પર ડ્રો કરે છે. તેમાં મોટા ભાગે હોઝિયરી મટિરિયલના ટી-શર્ટ વધારે સારા લાગે છે. ઘણા તો વળી એવા ટી-શર્ટ પહેરે છે કે જેના પર ખોપરીની સાથે બે તલવાર ચોકડીમાં ભરાવેલી હોય અને સ્લોગન લખેલું હોય, ‘કેચ મી ઇફ યુ કેન.’

સ્લોગન ટી-શર્ટમાં કલર્સ તો જે પહેરો તે સારા જ લાગે છે. હા, તેમાં કલર્સ સાથે સ્લોગનના કલર્સનું કોમ્બિનેશન પરફેક્ટ હોવું જોઇએ. અન્યથા તે અત્યંત ખરાબ લાગે છે. લાલચટક રંગના ટી-શર્ટ પર ગોલ્ડન કે બ્લેક કલરથી કોઇ સ્લોગન લખેલું હોય કે ‘ગો ગ્રીન’, તો કેવું લાગે? એટલે જ્યારે સ્લોગન ટી-શર્ટ ખરીદવા જાવ કે પછી તમે જાતે જ ટી-શર્ટ પર કોઇ સ્લોગન લખવા ઇચ્છતાં હો, ત્યારે આ બાબતની ખાસ કાળજી રાખવી. નહીંતર ફેશનના ફુગ્ગામાંથી હવા નીકળી જતાં વાર નહીં લાગે.હવે વરસાદની મોસમ ધીરે ધીરે જામી રહી છે, ત્યારે તમે પણ જો આ મસ્ત મોસમમાં ફેશનની સાથે તમારો ખાસ સંદેશો આપવા ઇચ્છતા હો, તો એક મસ્ત મજાનું ટી-શર્ટ લઇ આવો. તેના પર તમને ગમતા કલરથી તમારી લાગણી વ્યક્ત કરતું સુંદર મજાનું સ્લોગન લખી નાખો - ‘કમ, લેટ્સ મૂવ અહેડ.’

મનમોહક વેજિટેબલ બ્લોક પ્રિન્ટિંગ

Source: Shefali Pandya, Sajawat

નાનપણથી જ આર્ટના શોખને આગળ વધારી ટેક્સટાઇલ ડિઝાઈનિંગનો કોર્સ કરવાની સાથે નીલુબહેન પટેલ વેજિટેબલ બ્લોક પ્રિન્ટિંગ દ્વારા અનેકવિધ વસ્તુઓ બનાવે છે.

નાનપણથી જ જો આર્ટ અને ક્રાફ્ટમાં રસ હોય અને તેમાં જ આગળ વધવાનો મોકો મળે તો બીજું શું જોઇએ? અમદાવાદમાં વસતાં નીલુબહેન પટેલને નાનપણથી જ આર્ટનો શોખ હોવાથી સતત કંઇ ને કંઇ બનાવ્યા જ કરે. એમના આ શોખને એમના મમ્મી-પપ્પા અને ભાઇ તરફથી સારો સહયોગ મળ્યો અને અત્યારે નીલુબહેન એવી ભાતભાતની વસ્તુઓ બનાવે છે કે જોતાં જ રહીએ. નીલુબહેન પોતાના શોખને આગળ વધારવામાં પરિવાર તરફથી મળેલા સહયોગ વિશે જણાવતાં કહે છે, ‘નાની હતી, ત્યારથી જ કંઇ ને કંઇ ક્રાફ્ટ બનાવવાનો મને શોખ.

મારા આ શોખને મમ્મી-પપ્પા તરફથી તો પ્રોત્સાહન મળતું જ, પરંતુ મારા મોટા ભાઇને મારામાં રહેલી કલા પર વધારે વિશ્વાસ. આથી જ મેં જ્યારે સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો તે પછી તેમણે મને ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ ડિઝાઈનિંગનો કોર્સ કરવાની સલાહ આપી. સાચું કહું તો, મારા શોખને સૌથી વધારે પ્રોત્સાહન અને પ્રેરણા મારા મોટા ભાઇ પાસેથી મળ્યા છે.’

નીલુબહેન પેઇન્ટિંગ, પ્રિન્ટિંગ, કલે વર્ક, મડ-મિરર વર્ક, ટેરાકોટા વર્ક, ટ્રેડિશનલ ડિઝાઈનિંગ વર્ક, વેજિટેબલ પ્રિન્ટિંગ વગેરે એટલું સરસ અને ફિનિશિંગવાળું બનાવે છે કે મન મોહ્યાં વિના ન રહે. કોલેજમાંથી નીલુબહેને ડિઝાઈન સ્ટુડિયોમાં અરવિંદ મિલ, રીલાયન્સ મોલ વગેરેમાં કામ કરવાની સાથે અનેક એક્ઝિબિશન પણ યોજ્યાં છે.

તેમાંય કાપડ પર તેઓ ટ્રેડિશનલ બ્લોક પ્રિન્ટિંગ તો અદ્ભુત કરે છે. તેઓ કહે છે, ‘હું કાપડ પર ટાઇ એન્ડ ડાઇ (બાંધણી), ફેબ્રિક પેઇન્ટિંગ, બાટિક, સ્ક્રીન પ્રિન્ટિંગ, વેજિટેબલ પ્રિન્ટિંગ, વેજિટેબલ બ્લોક પ્રિન્ટિંગ, લીફ પ્રિન્ટિંગ વગેરે કરું છું.’

તેમની પાસેથી આજે આપણે પોટેટો બ્લોક પ્રિન્ટિંગ કેવી રીતે કરવું તે શીખીએ. તમે પોટેટો ઉપરાંત ડુંગળી, ભીંડા, રિંગણ, ગાજર વગેરે શાકથી પણ પેઇન્ટિંગ કરી શકો છો. એ માટે તમારે જોઇશે - બટાકાં, કાપડ, મનપસંદ રંગ, કટર, ટ્રેસિંગ પેપર, પીંછી અથવા સ્પોન્જ.

પોટેટો બ્લોક બનાવવા માટે સૌથી પહેલાં કાગળ પર ડિઝાઈન દોરી લો. તે પછી બટાકાંને વચ્ચેથી કટ કરી તેના બે ટુકડા કરો. આ ટુકડા પર જો તમને ફાવે તો ફ્રી હેન્ડ ડિઝાઈન દોરો અથવા કાગળ પર દોરેલી ડિઝાઈન ટ્રેસ કરી લો. કટર લઇ એ ડિઝાઈનની આસપાસથી અડધા સે.મી. જેટલું કોતરી લો. જેથી ડિઝાઈન એકદમ સરસ રીતે ઉપસી આવશે. પોટેટો બ્લોક તૈયાર થઇ ગયો.

હવે એ ડિઝાઈન પર પીંછી અથવા સ્પોન્જથી કલર લગાવો. કલર લગાવતી વખતે માત્ર ડિઝાઈન પર જ લાગે તેનું ધ્યાન રાખવું. તે પછી જે કાપડ પર બ્લોક પ્રિન્ટિંગ કરવું હોય તેના પર બટાકાંને દબાવીને ડિઝાઈન પાડો. તમને ગમતી ડિઝાઈન સાડી, ડ્રેસ, પિલો કવર, ટેબલ કલોથ, ઓઢણી, વોલપીસ વગેરે પર બનાવી શકાય. બજારમાં અનેક જાતના લાકડાનાં બ્લોક મળે છે, પરંતુ આ પોટેટો બ્લોક પ્રિન્ટિંગથી તમે મૌલિક ડિઝાઈન બનાવી શકો છો. આ જ રીતે ભીંડા, ડુંગળી, ગાજર વગેરેને પણ કટિંગ કરીને બ્લોક પ્રિન્ટિંગ કરી શકાય.

પેઇન્ટિંગમાં ઝળકતી નારીની વિવિધતા

Source: Shefali Pandya, Art Corner |


ભાવનગરમાં રહેતાં યામિનીબહેન મહેતાનો જન્મ અને ઉછેર મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં થયો. ત્યાં જ એમણે શાળાકીય શિક્ષણ મેળવ્યું અને ગ્રેજ્યુએશન કર્યું. યામિનીબહેનને નાનપણથી જ ડ્રોઇંગનો શોખ હોવાથી તેઓ શાળામાં હતાં, ત્યારથી વિવિધ ડ્રોઇંગ કોમ્પિટિશનમાં ભાગ લેતાં અને પ્રાઇઝ મેળવતાં. તેમના આ શોખને માતા-પિતા તરફથી પ્રોત્સાહન મળતાં તેમણે ટેક્સટાઇલ ડિઝાઈનિંગનો શોર્ટ ટર્મ કોર્સ પણ કર્યો છે. તે સાથે ઇન્દોરની લલિત કલા સંસ્થાનમાં જુદા જુદા કોર્સ કરવાની સાથે વિવિધ વર્કશોપનું આયોજન પણ કર્યું છે.

યામિનીબહેન પોતાના શોખને વિકસાવવા પેઇન્ટિંગમાં ઉપયોગમાં લેવાતી વિવિધ શૈલીના પેઇન્ટિંગ બનાવતાં શીખ્યાં. ત્યાર બાદ એ જ સંસ્થામાં બાળકો માટે પેઇન્ટિંગના વર્કશોપ પણ યોજ્યાં. તેમણે અનેક વિષય પર પેઇન્ટિંગ્સ બનાવીને એક્ઝિબિશનમાં મૂક્યાં છે, જેને સારો પ્રતિસાદ મળ્યો છે. તેમની ઇચ્છા હવે સોલો એક્ઝિબશિન યોજવાની છે.

પેઇન્ટિંગમાં નારી પાત્રને યામિનીબહેન વધારે પ્રાધાન્ય આપે છે, પછી એ નાની બાળકી હોય, વૃદ્ધ સ્ત્રી હોય કે માતા અને બાળકનું પેઇન્ટિંગ કેમ ન હોય! પોતાની કલા અને રુચિ વિશે જણાવતાં યામિનીબહેન કહે છે, ‘મને પેઇન્ટિંગમાં સ્ત્રીના વિવિધ રૂપને વ્યક્ત કરવાનું વધારે ગમે છે. ખાસ કરીને નાની બાળકીના જુદા જુદા ચિત્રણ મેં કર્યા છે. જ્યારે કલર્સની વાત કરું તો મને વોટર કલર, ઓઇલ કલર વગેરે દરેકમાં ફાવટ હોવા છતાં મારું પ્રિય માધ્યમ ઓઇલ કલર છે. એક વાર બેઝિક આઇડિયા કેનવાસ પર ઉતાર્યા બાદ તેની રંગરચના મનમાં નક્કી કરી લઉં છું અને એ આધારે જ આગળ વધુ છું.’

પેઇન્ટિંગમાં નવી નવી ટેક્નિક જાણવા માટે યામિનીબહેન સતત તત્પર રહે છે. તેમને ભાવનગરમાં ફાઇન આર્ટમાં ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. તદુપરાંત, ‘સોમાલાલ શાહ એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. સારા કલાકારોના એક્ઝિબિશન જોવાની એક પણ તક ન ગુમાવતાં યામિનીબહેન કહે છે, ‘મને મારા પતિ અને બંને દીકરા તરફથી ખૂબ સહયોગ મળતો રહે છે. મારા સાસરિયાંનો પણ સંપૂર્ણ સહકાર મળ્યો છે. મારા પતિ વ્યવસાયે ડોક્ટર હોવા છતાં તેઓ મારી કલામાં રસ લઇ મને જરૂરી લાગે તો સૂચન પણ આપે છે. જ્યારે મારો મોટો દીકરો પણ એની રીતે મને પ્રેરણા આપે છે.’

યામિનીબહેન દરેક પ્રકારના પેઇન્ટિંગ બનાવવામાં કુશળ છે, પણ તેઓ કહે છે, ‘આજકાલ લોકોને એબ્સ્ટ્રેકટ પેઇન્ટિંગ વધારે પસંદ પડે છે.’ આમ, પેઇન્ટિંગમાં નારીને વિવિધ રૂપે રજુ કરતાં યામિનીબહેન તેમની કલાને હજી વધારે વિકસાવે એવી શુભેચ્છા.

ખુદમાં હોય જો દમ, સફળતા મળે હરદમ...

Source: Shefali Pandya |

સફળતાના શિખરે પહોંચેલા લોકો કૂદકો મારી ત્યાં પહોંચી ગયા નથી,
પણ જ્યારે લોકો ઊંઘે છે ત્યારે પણ તેઓ આગેકૂચ કરતાં હોય છે.
-જોન વ્હીટલર

લોકોને સફળતા દેખાય છે, સફળતા પાછળનો શ્રમ દેખાતો નથી.
-સુરેશ દલાલ
‘સિદ્ધિ તેને જઇ વરે, જે પરસેવે ન્હાય.’ આમાં ઉનાળામાં થતા પરસેવે નહાવાની વાત નથી, પણ સફળતાના માર્ગમાં આવતા અવરોધોનો સામનો કરવાની વાત છે. જો હિંમત હાર્યા વિના દરેક પડકારને ઝીલવામાં આવે તો સિદ્ધિ પ્રાપ્ત થાય એમાં બે મત નથી.

કોમલે નક્કી કર્યું હતું કે પોતે અથાક મહેનત કરીને મેડિકલ કોલેજમાં એડમિશન મેળવીને જ રહેશે. એણે શરૂઆતથી જ અભ્યાસમાં ઘ્યાન આપ્યું. ઘરની આર્થિક સ્થિતિ એવી નહોતી કે એ ક્લાસીસ કે ટ્યૂશનમાં જઇ શકે, પણ પોતાનું સપનું સાકાર કરવા કોમલે અથાગ મહેનત કરી. અભ્યાસમાં પણ ક્યારેક એને મુશ્કેલી પડે તો એ સ્કૂલના શિક્ષકોને વિનંતી કરી, તેમની પાસેથી શીખી લેતી. પરીક્ષા દરમિયાન પણ એ રાત-દિવસ વાંચતી. આસપાસ ક્યાંક કોઇના લગ્ન હોય, મોટેથી સ્પીકર પર ગીતો વાગતાં હોય ત્યારે એને વાંચવામાં અવરોધ પણ ઉદ્ભવતો.

કોમલે નિરાશ થયા વિના આ બાબતને એક પડકારરૂપે સ્વીકારી અને નક્કી કર્યું કે પોતે ગમે તે રીતે પરીક્ષામાં સારા માર્ક્સ લાવીને મેડિકલમાં એડમિશન મેળવીને જ રહેશે. અધુરામાં પૂરું કોમલની પરીક્ષાને માત્ર બે જ દિવસની વાર હતી ત્યારે જ તેના પિતાને હાર્ટએટેકનો હુમલો આવ્યો. નો ડાઉટ, પપ્પાની વહાલસોયી કોમલને આઘાત લાગે જ, પણ પરીક્ષા પૂરતો એ આધાતને પણ વિસારે પાડી સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપી અને સારા માર્ક્સ મેળવીને પાસ થઇ. એટલું જ નહીં, એણે પોતાના શહેરની સારામાં સારી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યું. પરીક્ષા વખતે કોમલે જે અવરોધોનો સામનો કરવો પડ્યો એ ઘ્યાનમાં લઇએ, તો કોમલના સ્થાને બીજી કોઇ છોકરી હોત તો ચોક્કસ નપાસ થઇ હોત.

બાકી આપણે આપણી આજુબાજુ એવા અસંખ્ય ઉદાહરણો જોઈએ છીએ કે જેઓ જિંદગીમાં આવતી નાનીઅમથી મુશ્કેલીમાં પણ હિંમત હારી જતાં હોય છે અને પરિણામે નિષ્ફળતાને વહોરી લે છે, ઉપરાંત ‘હું શું કરું, સંજોગો જ એવા હતા’ જેવી પલાયનવાદી વાતો કરતાં ફરે છે.

એવું પણ નથી કે ભણવામાં અવ્વલ હોઈએ તો જ સફળતા મળે. તમને માર્ગીનો જ દાખલો આપું. પચાસ ટકા સાથે બી.કોમ. થયેલી માર્ગી એક એડ્ એજન્સીમાં ક્લાર્ક તરીકે જોડાઈ. તેનું કામ તે પૂરી નિષ્ઠાથી કરવા લાગી. ભલે તેને અભ્સાસમાં ઓછા ટકા આવ્યા હોય, પણ તેને સાહિત્ય-વાચન પ્રત્યે લગાવ સારો હતો એટલે તેને કોપીરાઈટિંગમાં રસ પડ્યો. તેણે બોસને આ વાત કરી તો તેના બોસે અજમાયશી ધોરણે તેને હા પાડી. આ વાત તેણે ચેલેન્જ તરીકે સ્વીકારી લીધી. પછી તો તેનું કામ વખણાવા લાગ્યું. સફળતાની સીડીઓ ચઢતાં-ચઢતાં તે આજે એ જ એડ એજન્સીની સીઈઓ બની ચૂકી છે. આમ એકેડેમિક કરિયર સાવ સામાન્ય હોવા છતાં આજે તે સફળ છે, કારણ કે તેણે ક્યારેય એવું નથી વિચાર્યું કે ‘હું આટલું જ કરી શકીશ.’

દરેકની જિંદગીમાં સંઘર્ષ તો રહેલો હોય જ છે. સફળતા એવા લોકોને જ મળે છે, જે આ સંઘર્ષ કરવા માટે સતત તૈયાર રહે છે. સફળતા એવા લોકોને જ મળે છે, જે નક્કી કરી લે છે કે પોતે આ કામ કરવું જ છે અને તે કામમાં સફળતા પણ મેળવવી જ છે. તે માટે ભલે ગમે એટલો સંઘર્ષ કરવો પડે તો પણ તેઓ તૈયાર રહે છે. અલબત્ત, એ માટે સૌથી પહેલાં એ નક્કી કરવું જરૂરી છે કે તમારે શું કરવું છે? કયા માર્ગે આગળ વધવું છે? એક વાર આ બાબત નક્કી થઇ જાય પછી લક્ષ્ય સુધી પહોંચવામાં ભલે ગમે એટલા અવરોધો કે મુશ્કેલીઓ કેમ ન આવે, તેનો હસતા ચહેરે સામનો કરવા માટે તૈયાર રહે છે.

ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ જો વ્યક્તિ હિંમત જાળવી રાખે તો સફળતા અવશ્ય મળે જ છે. દુનિયામાં એવા કેટલાય લોકો જોવા મળશે જે નિષ્ફળતાથી હાર માનીને બેસી જાય છે. તેઓ એક વાર નિષ્ફળતા મળે એટલે પોતાનું નસીબ જ એવું છે માની લે છે. જ્યારે આનાથી વિપરીત એવા લોકો પણ હોય છે, જે ગમે એટલી વાર નિષ્ફળ જવા છતાં ‘કરતાં જાળ કરોળિયો’ની જેમ પ્રયત્ન કરવાનું છોડતાં નથી. આવા લોકોના પ્રયત્નો એક દિવસ રંગ લાવે છે અને તેઓ સફળતાના સિંહાસન પર બિરાજે છે.

જો તમે સફળ વ્યક્તિઓનો અભ્યાસ કરશો તો જણાશે કે તેઓ પોતાના ઘ્યેયો હાંસલ કરવા બાબતે સખત પોઝિટિવ અભિગમ ધરાવતાં હોય છે. જેના લીધે એક દિવસ એવો આવે છે, જ્યારે તેમના સપનાનો સૂરજ ઊગે છે.

મજાની વાત એ છે કે સફળતા મેળવ્યા પછી તેઓ બેસી નથી રહેતાં. પાછો કોઈ નવો ઘ્યેય નક્કી કરી એ જ તાકાતથી ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ની જેમ તે હાંસલ કરવા કમર કસે છે. જાણે તેમના જીવનનું એક જ સૂત્ર હોય છે, ‘મૂવ ફોરવર્ડ-આગળ વધીએ.’


દહેજલોભી સાસરિયાંનું ‘સ્ટિંગ ઓપરેશન’

Source: Shefali Pandya, Womanbhaskar






આજની યુવતી જો ધારે તો પોતાને અને પોતાના પરિવારને દહેજના લાલચુ સાસરિયાથી કેવી રીતે બચાવી શકે છે અને આવા લોકોની પોલ સમાજ સામે કેવી સફિતથી ખુલ્લી પાડી શકે છે, તે તમે થોડા દિવસ પહેલાં લગભગ દરેક ન્યૂઝ ચેનલ પર જોયું હશે. મુંબઇની એક યુવતીના લગ્ન લેવાયાં. બધી તૈયારી થઇ ચૂકી હતી. હવે જાન લઇને કન્યાને પરણવા આવવાનું બાકી રહ્યું હતું. એવા સમયે વરરાજાના પિતાએ કન્યાના પિતા પાસે કારની માંગણી કરી.

કન્યાના પિતાએ તેમને નમ્રતાથી જણાવ્યું કે તમે લોકોએ અત્યાર સુધીમાં જે કંઇ માંગણી કરી છે, તે તમામ ચીજ-વસ્તુ અમે આપી છે. તમે દહેજમાં કાર નહોતી માગી અને આમેય અમે બે લાખ રૂપિયા દહેજમાં તો આપ્યા જ છે. દહેજની લાલચ ભલભલાની આંખો પર પાટા બાંધી દે છે. જ્યારે કન્યાને આ વાતની જાણ થઇ, ત્યારે એણે પોતાના દહેજલોભી સાસરિયાંને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એણે સ્ટિંગ ઓપરેશનનો પ્લાન બનાવ્યો અને તેમાં રીતસર ઘરમાં જે કંઇ માંગણી વરના પિતાએ કન્યાના પિતા પાસેથી કરી હતી, તેની ત્રણ કલાકની વિડિયો ઉતારી.

તે પછી એ યુવતી આ ટેપ લઇને નજીકના પોલીસ સ્ટેશને પહોંચી. ત્યાંના અધિકારીઓએ ત્રણ કલાકની ટેપ જોઇ અને પુરાવા મળતાં જ દહેજલોભી લોકોની તાત્કાલિક ધરપકડ કરી. એ યુવતી કહે છે, ‘પહેલાં તો મને પણ વિચાર આવ્યો હતો કે સમાજ શું કહેશે? પણ તેમની માંગણી દિવસે દિવસે વધતી જતી હતી. તેમણે અમારા ખર્ચે ઘરને રંગ કરાવ્યો, મારા પિતાએ રોકડ રકમ તેમ જ માંગેલી વસ્તુઓ આપી હોવા છતાં તેમની માંગણીનો અંત આવતો નહોતો. આથી મેં મારા પરિવાર સાથે મળીને તેમને ઉઘાડા પાડવાનું નક્કી કર્યું. જો મેં આ પગલું ન ભર્યું હોત, તો આમાં હું અને મારો પરિવાર ખતમ થઇ જાત.’ આવી ભાવના દરેક યુવતીમાં હોય, તો અનેક યુવતીઓ દહેજના દાનવનો ભોગ બનતાં બચી જાય.

અફલાતૂન કુર્તી પિન્ટુક

Source: Shefali Pandya |


આજની યુવતીને કંઇક એવી સ્ટાઇલના પોશાક પહેરવા ગમે છે, જેમાં તે પોતે તો સુંદર દેખાય. સાથોસાથ બીજાને પણ એ સ્ટાઇલ અપનાવવાની ઇચ્છા થાય.

‘અરે વાહ! ગાર્ગી, તારી આ કૃર્તી તો ખૂબ સરસ છે! પ્લીટ્સવાળી અને તે પણ ચેક્સમાં? ક્યાંથી લાવી? મારે પણ આવી કુર્તી લાવવી છે.’ ગાર્ગીએ પહેરેલી કુર્તી અને જીન્સ જોઇને એની બહેનપણી દેવજ્ઞાએ પૂછ્યું. ‘આ તો મેં સીવડાવી છે અને એય, આને પ્લીટ્સ નહીં, પિન્ટુક કહેવાય છે, સમજી?’ ગાર્ગીએ જવાબ આપ્યો.

‘પિન્ટુક? એટલે શું? મને જરા વિસ્તારથી સમજાવીશ?’ જવાબમાં ગાર્ગીએ કહ્યું, ‘શું તું પણ દેવજ્ઞા? આપણા ઘરમાં પહેલાના વખતમાં પડદામાં ચપટી વાળીને ભરાવતાં હતાં. એ ચપટી એટલા માટે વાળવામાં આવતી કે જેથી કાપડ ફિટિંગમાં રહેવાની સાથે વધારાના કાપડનો સારો એવો ઘેર રહે.

આજકાલ કુર્તીમાં આવી રીતે એકસાથે લાઇનસર ઘણા ટકસ લઇને પેટર્ન બનાવવાની ફેશન છે. તેમાં પ્લેન કાપડ હોય તો પણ ચાલે. આ ટક્સ એટલે અત્યારની યુવતીઓ જેને પિન્ટુક કહે છે તે. આ પિન્ટુક નેકલાઇન, વેસ્ટલાઇન, બસ્ટલાઇન, કુર્તીની લેન્થ અને સ્લીવમાં પણ બનાવવામાં આવે છે.’ ગાર્ગીએ દેવજ્ઞાને કહ્યું, તો દેવજ્ઞાએ પૂછ્યું, ‘તેં તો આ કુર્તી સીવડાવી છે, પણ મારા જેવી કોઇને રેડીમેડ લેવી હોય તો?

આવી પિન્ટુક કુર્તી ક્યાં મળે? અને એમાં કેવું મટિરિયલ અને ડિઝાઇન સારા લાગે?’ દેવજ્ઞાની જિજ્ઞાસા સંતોષતાં ગાર્ગી બોલી, ‘અરે, તું કોઇ પણ સુપર મોલમાં જા અથવા કોઇ સારા ફેશન ડિઝાઇનરને કહીશ તો તે પણ સીવી આપશે.’ ‘વાઉ ગ્રેટ યાર! તો ચાલ ને, આપણે આજે જ મટિરિયલ લઇ આવીએ.’ અને બંને બહેનપણીઓ કુર્તી માટેનું કાપડ ખરીદવા નીકળી ગઇ.

બાજરીના ડૂંડાથી કરો ઘરની અનોખી સજાવટ

Source: Shefali Pandya


ગામડાંમાં રહીને મોટા થયા અને પિતા ખેડૂત હોવાથી જયશ્રીબહેનને નાનપણથી જ ખ્યાલ હતો કે સાવ નકામી અને ફેંકી દેવાની વસ્તુમાંથી પણ સુંદર મજાના શોપીસ કેવી રીતે તૈયાર થઇ શકે.

સૌરાષ્ટ્રના ખાંભા પાસે આવેલા ઇંગોરાળા નજીકના રબારિકા ગામમાં રહેતાં જયશ્રીબહેન વાડદોરીયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા હોવાની સાથે ગૃહસજાવટમાં પણ અનોખી સૂઝ ધરાવે છે. તેનું કારણ જણાવતાં તેઓ કહેે છે, ‘હું એક નાનકડા ગામના ખેડૂત પરિવારની દીકરી હોવાથી સાવ નાખી દેવાની વસ્તુનો પણ શ્રેષ્ઠ સજાવટ માટે કેવી રીતે ઉપયોગ થઇ શકે તે મારી આંગળીઓમાં સમાયેલી કલા છે.’ શાળામાં નાના બાળકોના કોરી સ્લેટ જેવા મન પર શિક્ષણનો એકડો ઘૂંટવો અને ઘરે આવીને સાદીસીધી વસ્તુમાંથી મનમોહક વસ્તુ બનાવવાનો તેમને શોખ છે.

જયશ્રીબહેન પોતાની કલાકારીગરીથી બાજરીના ડુંડાં, ઘઉની ડુંડી, સૂકા ભીંડા વગેરે જેવી વસ્તુઓને જુદા જુદા ઓઇલ પેઇન્ટ લગાવી તેને આકર્ષક રીતે સજાવે છે. તેઓ કહે છે, ‘બાજરીના ડૂંડા ગામડામાં સહેલાઇથી મળી રહે છે. તેને પહેલા સફેદ ઓઇલ પેઇન્ટ લગાવીને પછી મનગમતા રંગથી રંગીને તેના પર મોહક ડિઝાઇન બનાવી શકાય છે. ઉપરાંત, તેના પર વિવિધ રંગના રેશમી કે ગોલ્ડન તાર અને લેસ લગાવીને સજાવી શકાય છે. આ ઉપરાંત, નાળિયેરના ખરી ગયેલાં સૂકાં ઝુમખાં, મકાઇના સમરા, જુવારના લોથા જેવી સાદી અને નજીવી વસ્તુઓમાંથી અલગ અલગ પ્રકારના ડેકોરેટિવ શો-પીસ બનાવી શકાય.’

માટીના ફ્લાવરપોટમાંથી આકર્ષક શો-પીસ બનાવવા માટે સૌથી પહેલાં તેને કાચકાગળથી ઘસીને વાર્નિશ લગાવો. વાર્નિશ લગાવવાથી ફ્લાવરવાઝ શાઇનિંગ ધરાવતું થઇ જશે. તે પછી તેના પર તમને ગમતો ઓઇલ પેઇન્ટ લગાવી સૂકાવા દો. ત્યાર બાદ ટીકી, સ્ટોન, લેસ વગેરેથી ડેકોરેટ કરો.

તેમાં તમને ગમે તો બગીચામાં ખીલેલા તાજા ફૂલ તોડીને ગોઠવો અથવા બાજરીના ડૂંડાને જુદા જુદા ઓઇલ પેઇન્ટથી કલર કરી તેને પણ આ વાઝમાં ગોઠવી શકાય. આ વાઝને કોર્નર કે સેન્ટર ટિપોય પર અથવા એવી કોઇ જગ્યાએ ગોઠવો જયાં તેના પર પ્રકાશ આવે. તેનાથી ફ્લાવરવાઝ વધારે શોભી ઊઠશે.

કલા-કારીગરીનો અનોખો સુમેળ કલ્પનાબહેન

Source: Shefali Pandya


દરેક વ્યક્તિ કોઇ ને કોઇ કલામાં નપિુણ હોય છે, પણ કલા અને કારીગરીનો સુમેળ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. સુરતમાં રહેતા કલ્પનાબહેન ઝવેરીને નાનપણથી જ આર્ટ અને ક્રાફ્ટમાં રસ હતો. સુરતમાં જ મોટા થયેલા કલ્પનાબહેને આર્ટસ સાથે સ્નાતક હોમસાયન્સ અને ઇન્ટિરિયર ડેકોરેશનની ડિગ્રી મેળવી છે.

નાનપણથી કંઇક નવું બનાવવાના શોખીન કલ્પનાબહેને સ્કૂલમાં ભણતાં હતાં, ત્યારે ‘બેસ્ટ આઉટ ઓફ ધ વેસ્ટ’માં પ્રમાણપત્ર મેળવ્યું, ત્યારે તેમને લાગ્યું કે પોતાના આ શોખને વિકસાવીને હજી ઘણુંબધું કરી શકે એમ છે. બસ, પછી તો પૂછવું જ શું? એ આપસૂઝથી વિવિધ ડેકોરેટિવ દીવા, એન્વેલપ્સ, કંકોતરી, ઇન્વિટેશન કાર્ડ, ચોકલેટ રેપર્સ, ક્રિસ્ટલ આર્ટ, આઇરશિ આર્ટ, કોફી પેઇન્ટિંગ, ગિફ્ટ રેપિંગ, એન્ટિક આર્ટ વગેરે ક્યારેક જાતે તો ક્યારેક જોઇને અથવા વર્કશોપમાં જઇને શીખતાં ગયાં. તેમણે સુરતમાં યોજાતા અનેક એક્ઝિબશિનમાં પણ ભાગ લીધો છે.

આ ઉપરાંત, તેઓ પાર્ટી, લગ્ન પ્રસંગે ડેકોરેશન, આણું પાથરવા માટે જોઇતી વસ્તુઓના ગિફ્ટ પેકિંગમાં પણ નિપુણ છે. પોતાની કલ્પનાશક્તિથી કલ્પનાબહેન જ્યારે કાગળમાંથી ચોકલેટ પેસ્ટ્રી, બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી બનાવે, ત્યારે જોતાંની સાથે મોંમાં મૂકી દેવાની ઇચ્છા થાય એવી દેખાય.

તેમની પાસેથી થ્રી ડી ઓરિગામી કઇ રીતે બનાવી શકાય તે જાણીએ. સૌથી પહેલાં આઇરશિ પેપરના એકસરખા માપના લંબચોરસ ટુકડા કરો. પછી તેને તમારે ડ્રેગન બોટ, મોર, મોબાઇલ સ્ટેન્ડ જે બનાવવું હોય તે રીતે ફોલ્ડ કરો. જો તમે બોટ બનાવવા ઇચ્છતાં હો, તો તેની કિનારીને અણિયાળી કાપી લો. આ રીતે બનાવેલ આઇરશિ ઓરિગામી કોઇને ગિફ્ટ આપવામાં પણ ચાલે. તમે ઇચ્છો તો આવી બોટ બનાવી ડ્રોઇંગરૂમના સેન્ટર કે કોર્નર ટિપોય પર મૂકી, તેમાં સીઝન પ્રમાણેના ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ કે ચોકલેટ રાખી શકો.

કેન્સરમાંથી મુક્તિ પામેલી લીઝા રે

Source: Shefali Pandya |


ફેશન મોડલિંગની દુનિયાનો જાણીતો ચહેરો એટલે લીઝા રે. બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ એણે અભિનય કર્યો છે. લીઝા રેને ૨૦૦૯ના એપ્રિલ માસમાં મલ્ટપિલ માઇલોમા બીમારી હોવાનું નિદાન થયું, એટલે કે પ્લાઝમા સેલ્સ તરીકે ઓળખાતા શ્વેત રક્તકણોનું પ્રમાણ લોહીમાં વધી જવાથી તે મલ્ટપિલ માઇલોમા નામના કેન્સરનો ભોગ બની હતી.

આ કેન્સર બહુ ઓછાને થાય છે, પણ એક વાર થયા પછી તેનાથી બચવાનું અશક્ય છે. માત્ર ૩૮ વર્ષની વયે આવી ભયંકર બીમારી થયાનું સાંભળીને કોઇ પણ ભાંગી પડે, પણ લીઝાએ કેન્સર સામે લડત લડવાનું નક્કી કર્યું અને એપ્રિલ ૨૦૧૦માં તો તેણે જાહેરાત કરી કે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ થેરપી દ્વારા હવે તે કેન્સરમાંથી મુક્તિ પામી છે.

બંગાળી ભારતીય પિતા અને પોલશિ માતાની પુત્રી લીઝાનો જન્મ અને ઉછેર ટોરન્ટોમાં થયો છે. તેણે શિક્ષણ પણ ત્યાં જ મેળવ્યું. માત્ર સોળ વર્ષની વયે તેણે મોડલિંગના ક્ષેત્રમાં પગ મૂક્યો અને સૌથી પહેલાં એ બોમ્બે ડાઇંગની જાહેરખબરમાં કરણ કપૂર સાથે જોવા મળી.

તે પછી તો તેણે અનેક જાહેરખબર ઉપરાંત તામિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો. હિન્દી ફિલ્મ ‘કસૂર’માં લીઝા આફતાબ શિવદાસાની સાથે જોવા મળી, જ્યારે ‘વોટર’ ફિલ્મમાં એણે એક વિધવાની ભૂમિકા ભજવી હતી. નુસરત ફત્તેહ અલી ખાંના ‘આફરીન આફરીન’ આલ્બમના વિડીયોમાં પણ તેણે કામ કર્યું હતું.

કેન્સરમુક્ત થયેલી લીઝા રે હાલમાં કેન્સર પર બની રહેલી ‘વન એ મિનિટ’ ડોક્યુમેન્ટરીમાં કામ કરી રહી છે. આ ડોક્યુમેન્ટરી નમ્રતા સિંઘ ગુજરાલ બનાવે છે અને તે ચાલુ વર્ષમાં જોવા મળશે.

તોલ મોલ કે બોલ

Source: Sefali Pandya |


કવિ કલાપીનું એક કાવ્ય છે, ‘રે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો...’ આ કાવ્ય જો તમે આખું વાંચ્યું હોય તો ખ્યાલ આવશે કે ઘણી વાર આપણી વાણી પણ આવા પથરાનું કામ કરતી હોય છે. સમય, સંજોગો અને રજૂઆતનો ખ્યાલ રાખ્યા વિના કહેલી વાતથી કયારેક સંબંધોમાં કડવાશ ઉત્પન્ન થઈ જાય છે, તો કયારેક બોલનાર વ્યક્તિને હાસ્યાસ્પદ કે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે. તેના બદલે જો થોડું વિયાર્યું હોય તો.....

આપણે ક્યારેક એવી વાત એવા સંજોગોમાં બોલી જઇએ છીએ, જેના કારણે લોકોમાં ક્યારેક હાંસીપાત્ર કે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે. એટલે જ તો કહેવાય છે કે ‘વિચારીને બોલો.’ જો કોઇ પણ વાત મોંમાંથી નીકળે તે પહેલાં સ્થળ, સમય અને સંજોગોનો વિચાર કરવામાં આવે તો સંબંધો વણસતાં અટકાવી શકાય છે.

આપણામાં કહેવત છે કે, ‘બોલતાં પહેલાં બે વાર વિચારો.’ આ કહેવત જેણે પણ કહી હશે, તેનો હેતુ સારો જ હશે અને જો તમે શાંતિથી વિચારો તો ખ્યાલ આવશે કે ઘણી વાર અચાનક કોઇ એવી વાત મોંમાંથી નીકળી જાય છે કે હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઇ જવાય અથવા કયારેક વિના કારણે હોબાળો મચી જાય છે. ભલે બોલનારી વ્યકિત તમે, હું કે બીજી કોઇ પણ હોય અને તેનો આશય કોઇને ઠેસ કે દુ:ખ પહોંચાડવાનો ન હોય. તેમ છતાં એવું બને છે કે અજાણતાં જ કહેવાઇ ગયેલી વાતનું વતેસર થઇ જાય છે. અરે! કયારેક તો સંબંધો પણ તૂટી જવાના કિસ્સા બને છે.

રશ્મિના કિસ્સામાં એવું બન્યું કે એનાં સાસુનું અવસાન થયું. બારમા-તેરમાની વિધિ માટે નજીકમાં જ એક હોલ ભાડે રાખ્યો હતો. વિધિ ચાલતી હતી અને સૌ સગાં-વહાલાં દુ:ખી, ગમગીન હૈયે બેઠા હતાં. વિધિ પૂરી થઇ અને બધાં વિખેરાવાની તૈયારી કરતાં હતાં, ત્યાં રશ્મિ બોલી, ‘આ જગ્યા આમ તો સારી છે. ઘ્યાનથી જોઇ લો જેથી ફરી વાર આવવામાં કોઇને મુશ્કેલી ન પડે. હોલ સારો એવો વિશાળ છે. મને તો વિચાર આવે છે કે મારી દીપુના લગ્ન વખતે આ જ હોલમાં સંગીતસંઘ્યાનો કાર્યક્રમ રાખું, તો વધારે સારું રહેશે.’ રશ્મિના મોંએથી આવી વાત સાંભળીને બધાં ચોંકી ગયાં.

આ તરફ રશ્મિ પણ બોલતાં તો બોલી ગઇ, પણ પછી એને ખ્યાલ આવ્યો કે પોતે શું બોલી ગઇ. એને પણ થયું કે અત્યારે આવી વાત કહેવા જેવી નહોતી, પણ હવે શું થાય? કવિ કલાપીનું પેલું કાવ્ય છે ને, ‘રે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો...’ બસ, આવું જ કંઇક બને છે. પથરો ફેંકી દીધા પછી અને ભાથામાંથી બાણ નીકળી ગયા પછી તે સામેવાળી વ્યકિતને ઘાયલ કર્યા વિના નથી રહેતાં. એવું જ કંઇક વાણીનું પણ છે. એક વાર શબ્દો મોંમાંથી નીકળી ગયા તો ખલાસ!

કહેવા પાછળનો આશય ભલે કંઇ ન હોય, સમજ્યા-વિચાર્યા વિના અનાયાસે જ બોલાઇ ગયું હોય, પણ સાંભળનારાના મનમાં ગેરસમજ ઊભી થાય છે અને કહેનારાની છાપ કાયમ માટે ખરડાઇ જાય છે. એક પરિચિતની દીકરીને પણ આવી જ ટેવ. કંઇ પણ જોયા-જાણ્યા કે સમજયા-વિચાર્યા વગર મનમાં આવે તે બોલી નાખે. એક વાર વાતવાતમાં એનાં સાસુને કહ્યું, ‘મમ્મી, તમારો જન્મદિવસ નજીક આવે છે, ત્યારે તમારા દીકરાને કહેજો તમને હીરાનો હાર અપાવે. તમારી સાથે મને પણ ફાયદો થશે.

તમારા માટે તમારો દીકરો રૂપિયા ખર્ચવામાં વિચાર નહીં કરે, તમે જે માગશો તે અપાવી જ દેશે. થોડા દિવસ તમે પહેરજો પછી તો મારે જ પહેરવાનો છે.’ બસ, આ છેલ્લું વાકય સાસુના હૈયા સોંસરવું ઉતરી ગયું. એમના મનમાં કાયમ માટે દીકરાની વહુની વાતનો ખટકો રહી ગયો.

આપણે ઘણી વાર આગળ-પાછળનું વિચાર્યા વિના કે સમજયા વિના બોલી નાખીએ જેના કારણે પોતે હાસ્યાસ્પદ કે શરમજનક સ્થિતિમાં મૂકાવા ઉપરાંત આપણી છાપ ગમાર, બેવકૂફ કે અક્કલ વિનાની વ્યકિત તરીકેની અંકાઇ જાય છે. ઉપરાંત, સામાન્ય એવી વાતથી પણ સંબંધોમાં કટુતા પ્રસરી જાય છે. અલબત્ત, એના અર્થ એવો નથી થતો કે બિલકુલ બોલવું જ નહીં. બોલો ખરા, પણ કયાં, કયારે, શું અને કેટલું બોલવું તેનો વિચાર કરો અને પછી બોલો. તો તમારી વાતની ધારી અસર પણ થશે.

હા, ઘણી વાર એવું પણ બનતું હોય છે કે કોઇએ કહેલી વાતની રજૂઆત કરવાની આપણી રીત ખોટી હોય છે. તેના કારણે પણ ગેરસમજ ઊભી થઇ શકે છે. આવું બને ત્યારે તરત જ સ્પષ્ટતા કરી લો કે તમારા કહેવાનો એવો અર્થ નહોતો કે બે વ્યક્તિઓ વચ્ચે ગેરસમજ અથવા મનદુ:ખ ઊભું થાય. એટલું જ નહીં, તમારા માટે પણ ગેરસમજ ન ઉદ્દભવવી જોઇએ તેમ જ એવું પણ ન લાગે કે તમે લાગણીહીન છો.

ક્યારેક માનો કે તમારાથી આવી કોઇ વાત કહેવાઇ જાય અને તમે એમ વિચારો કે મેં કંઇ એવું નથી કહ્યું કે કોઇને ખરાબ લાગે અથવા તો અહમ રાખીને કે મોં ચડાવીને જતાં રહેવું યોગ્ય નથી. તેના બદલે તમારાથી થાય એટલી સ્પષ્ટતા અવશ્ય કરો. આમ કરવાથી સંબંધોમાં માધુર્ય જળવાઇ રહેશે, તેની સાથોસાથ તમારી સ્પષ્ટતા કરવાની અને ભૂલ સ્વીકારવાની આદતથી લોકોમાં તમે પ્રશંસાપાત્ર પણ બનશો.

માટે આજથી નક્કી કરો કે જે કંઇ બોલશો, તે સમજીવિચારીને બોલશો અને સ્પષ્ટતા કરવાની આદત કેળવશો, તો ક્યારેય હાંસીપાત્ર કે શરમજનક સ્થિતિમાં નહીં મૂકાવું પડે. એટલું જ નહીં, તમારી આવી ટેવને કારણે ભવિષ્યમાં કોઇની સાથે મતભેદ કે ગેરસમજ પણ નહીં ઉદ્દભવે.

આર્ટ અને ક્રાફટનો બેવડો સમન્વય

Source: Shephali Pandya


મૂળ કચ્છના પણ મુંબઇમાં જ જેમનો જન્મ અને ઉછેર થયો છે, એવા ઇલાબહેન આચાર્ય અત્યારે તો રાજકોટમાં રહે છે, પણ આર્ટ અને ક્રાફટનો તેમને નાનપણથી શોખ. માત્ર ડેકોરેટિવ વસ્તુઓ, વેસ્ટમાંથી બેસ્ટ કે પેઇન્ટિંગ્સ જ નહીં, ઇલાબહેન કુકિંગમાં પણ એટલા નિષ્ણાત છે કે હાલમાં તેઓ રાજકોટમાં કુકિંગ કલાસીસ પણ ચલાવે છે.

તેઓ પોતાના શોખ અને પરિવારના સહયોગ વિશે જણાવતાં કહે છે, ‘મને નાનપણથી આટર્ અને ક્રાફટનો શોખ હતો અને મારા શોખને મમ્મી-પપ્પા તરફથી પણ સારું એવું પ્રોત્સાહન મળતું. ત્રીજા ધોરણમાં હતી, ત્યારે તો મમ્મી પાસેથી જાતજાતની રસોઇ બનાવતાં શીખી ગઇ હતી.

મારા શોખને પ્રોત્સાહિત કરવાની સાથે મને યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે તે માટે મેં હોમસાયન્સ કર્યું અને ઇંગ્લિશ વિષય સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. તે સાથે ટોય અને ડોલ મેકિંગ, બાટિક, બાંધણી બનાવવા, એમ્બ્રોઇડરી, વગેરેના સર્ટિફાઇડ કોર્સીસ પણ કર્યા છે.

મારા મમ્મી-પપ્પાએ ભવિષ્યમાં કોઇની સામે હાથ લાંબો ન કરવો પડે અને ઘરે બેઠાં પણ પગભર રહી શકીએ એ વિચારીને મને આ કોર્સ કરવા માટે પ્રેરી. મારા લગ્નને પાંચ વર્ષ થયા છે અને હું એટલી નસીબદાર છું કે પતિ તરફથી પણ મારા શોખને પૂરતું પ્રોત્સાહન અને જોઇએ એવો સહયોગ મળે છે.’

આવા અનેકવિધ શોખ અને આવડત ધરાવતાં ઇલાબહેન પાસેથી બાંધણી કઇ રીતે બાંધવી તેની રીતે શીખીએ. એક મીટર સુતરાઉ કાપડ, ૧૦ ગ્રામ મનગમતો રંગ, ૫ ગ્રામ મીઠું અને ઉકળતું પાણી લો. સૌથી પહેલાં કાપડમાંથી બધો સ્ટાર્ચ નીકળી જાય તે માટે તેને બે-ત્રણ કલાક સાદા પાણીમાં પલાળીને સૂકાવા દો. ત્યાર પછી તેને ઇસ્ત્રી કરો. તમને ગમતી ડિઝાઇન પ્રમાણે કાપડ પર સરખા અંતરે મગના દાણા મજબૂત દોરાથી બાંધો. મોટા તપેલામાં પાણી ઉકળવા મૂકો.

એક વાટકીમાં રંગ અને મીઠું ભેળવી થોડું પાણી રેડી આ મિશ્રણને ઉકળતા પાણીમાં ભેળવો. કાપડને મગથી બાંઘ્યા પછી અને રંગતા પહેલાં સાદા પાણીમાં બોળી, નીચોવ્યા વિના જ રંગવાળા ઉકળતા પાણીમાં નાખી લાકડીથી સતત હલાવો. આમ કરવાથી આખા કાપડ પર રંગ ચડી જશે.

આ કાપડને દસ મિનિટ પલળવા દઇ પછી તેને ત્રણ-ચાર વાર સાદા પાણીથી ધૂઓ જેથી વધારાનો રંગ નીકળી જાય. એકદમ સૂકાઇ ગયા પછી જ મગના દાણા ખોલી નાખવા. બાંધણીની સરસ મજાની ડિઝાઇન બની જશે. આ રીતે દુપટ્ટા, ડ્રેસ, વોલપીસ, સાડી, કુશન કવર, પડદા મનગમતી બાંધણીની ડિઝાઇન અને કલરમાં બનાવી શકો.

કાળઝાળ ઉનાળામાં રાહત આપે કોટનના પરિધાન

Source: Shefali Pandya |

ઉનાળો આવે એટલે પરસેવો અને તેના લીધે અકળામણ એવી થાય કે કયો પોશાક પહેરવો તે વિચારવું પડે. આ જ કારણસર આજકાલ બજારમાં કોટન મટિરિયલની કુર્તી અને ડ્રેસ વધારે જોવા મળે છે. આ મટિરિયલ પરસેવો શોષી લેતું હોવાને કારણે કોલેજગોઇંગ ગર્લ્સ અને વર્કિંગ વુમનને તે વધારે પસંદ પડે છે. પરસેવો થવાને લીધે શરીર ચીકણું થઇ જાય છે, ત્યારે આ કોટન મટિરિયલ પરસેવો શોષી લે છે અને શરીરને ગરમ લૂથી પણ બચાવે છે.


આ જ કારણે અત્યારે કોટનના ડ્રેસ અને વિવિધ સ્ટાઇલની કુર્તી સૌને આકર્ષે છે. યુવતીઓ અને મહિલાઓની પસંદગીને ઘ્યાનમાં રાખીને હવે તો ડિઝાઇનર પણ પોતાના કલેકશનમાં સીઝન પ્રમાણે ફેરફાર કરે છે. તેમાં પેસ્ટલ કલર્સની સાથે લાઇટ કલર્સ અત્યારે એકદમ ‘ઇન’ છે. રેડ અને બ્લેક કલરનું કોમ્બિનેશન તો અમસ્તું પણ યુવતીઓને પ્રિય છે, પણ તે સાથે અત્યારની અલબેલીઓને લાઇટ યલો, ક્રીમ, પેલ યલ્લો, વ્હાઇટમાં ગ્રીન અને રેડ કલરના ફલાવર્સની ડિઝાઇન, સ્ટીલ ગ્રે, બ્રોકેડની નેકલાઇન ધરાવતી કુર્તી, તો વ્હાઇટ સાથે કોન્ટ્રાસ્ટ મેચ કરતી રેડ નેકલાઇનવાળી શોર્ટ કુર્તી, સ્કાયબ્લ્યૂ, ગ્રીન, કોફી વગેરે જેવા કલર્સ વધારે ચાલે છે.

ડિઝાઇનમાં પણ અત્યારે નિતનવી ભાતની ડિઝાઇનનો ટ્રેન્ડ હોવાથી જયોમેટ્રિકલ, સ્કવેર, અનઇવન ડિઝાઇન અત્યંત ચાલે છે. એમ તો લાઇનિંગ, બાંધણીપ્રિન્ટ, બ્લોકપ્રિન્ટ, ગામઠી, ફલોરલ પ્રિન્ટ ધરાવતી કુર્તી કે ડ્રેસ ઉનાળામાં વધારે સારા લાગે છે. મોટા ભાગે કોલેજિયન યુવતીઓ શોર્ટ ટોપમાં એમ્બ્રોઇડરી કરેલો યોક, બ્રોકેડની નેકલાઇન, કિનારીવાળા પરિધાન પહેરે છે. વર્કિંગ વુમન માટે સાડી તો બેસ્ટ પોશાક છે જ, પણ આજકાલ વર્કિંગ વુમનને પણ કોટન ડ્રેસ પહેરવાના ગમે છે અને કોટનના લાઇટ કે પેસ્ટલ કલરના ડ્રેસીસમાં આછી એમ્બ્રોઇડરી કરેલી હોય કે પાઇપિંગ લગાવેલી હોય એવા ડ્રેસ વધારે આકર્ષક લાગે છે.


ઉનાળા માટે કોટન બેસ્ટ મટિરિયલ છે, પણ તે સસ્તું જ હોય તેવું માની લેવાની જરૂર નથી. તેમાં ૩૫૦થી લઇને ૩૫૦૦ સુધીના વિવિધ પોશાક તમને પોસાય એવી રેન્જ અને ડિઝાઇનમાં મળે છે. તો આ વર્ષે અત્યારથી જ ત્રાહિમામ પોકારાવી દેતી ગરમીની જે શરૂઆત થઇ ગઇ છે, તેને ઘ્યાનમાં લેતાં અપનાવી લો કોટનના અવનવા પોશાક.

ત્રિકોણનો ત્રીજો ખૂણો બનેલી હૈદરાબાદની આયેશા સિદ્દીકી

Source: Shefali Pandya |

શોએબ મલિક અને સાનિયા મિર્ઝાની સગાઈ સાથે શોએબ અગાઉ આયેશા સિદ્દીકી સાથે પરણી ચૂક્યો હોવાના સમાચાર ચમકયા છે. કોણ છે આ આયેશા? અત્યારે એની મનોદશા કેવી હશે?


તાજેતરમાં પાકિસ્તાનના પ્રખ્યાત ક્રિકેટર શોએબ મલિક અને ભારતની ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની સગાઇ અને તેઓ આ મહિનામાં લગ્ન કરવાનાં હોવાના સમાચાર વાંચીને તેમનાં પ્રશંસકોને આનંદ થયો હશે, પણ તે સાથે એક આંચકો પણ લાગ્યો છે. આ આંચકો હૈદરાબાદમાં રહેતી આયેશા સિદ્દીકી નામની યુવતી અને તેના પરિવારે કરેલી જાહેરાતને કારણે લાગ્યો છે.
બન્યું એવું કે જયારે શોએબ અને સાનિયાની સગાઇના સમાચાર અખબારોમાં ચમકયા, તેના બે દિવસ બાદ સિદ્દીકી પરિવારે ન્યૂઝ ચેનલો અને અખબારોને જણાવ્યું કે સાનિયા શોએબની બીજી પત્ની છે કેમ કે શોએબે તો સદ્દિીકી પરિવારની આયેશા નામની યુવતી સાથે ૨૦૦૨ની સાલમાં નિકાહ કર્યાં હતાં. તે સાથે શોએબ, સાનિયા અને આયેશા ત્રિકોણના એવા ત્રણ ખૂણા બની ગયા છે કે કોણ કોની સાથે જોડાયેલા છે, તે જાણવું મુશ્કેલ બની રહ્યું છે. એમાંય હવે તો આયેશા સિદ્દીકી તરફથી નિકાહનામું પણ રજૂ કરવામાં આવ્યું છે.
આ સમાચાર ચેનલો અને વાચકોને માટે તો પૂરતો મસાલો પૂરો પાડી રહ્યા છે, પણ એક સ્ત્રી તરીકે આયેશાની મનોસ્થિતિ વિશે કોઇને કંઇ કલ્પના આવે છે ખરી? શોએબ મલિકે તો પોતે આયેશા સાથે નિકાહ ન કર્યા હોવાનું જણાવ્યું છે, પણ આયેશાની સ્થિતિનો કોઇ વિચાર નથી કરતાં. પોતે જેની સાથે ટેલિફોનિક નિકાહ કબૂલ કર્યાં છે, એ પુરુષ જયારે એમ કહે કે પોતે આ નિકાહ કર્યા નથી, ત્યારે એ કોને કહેવા જાય?
એ તો ઠીક, પણ નિકાહનામાની રજૂઆત અને પોતાને મહેરની રકમ પણ પાકિસ્તાનના પાંચસો રૂપિયા મળ્યા હોવાની જાહેરાત કર્યા પછી પણ તેને એવું સાંભળવા મળે કે ‘આયેશા સારી અને પ્રતિભાશાળી યુવતી છે, પણ તે કેટલાક લોકોની વાતોમાં આવીને ગેરમાર્ગે દોરાઇ રહી છે.’ ત્યારે એ યુવતીના દિલને કેવી ઠેસ પહોંચી હશે? કોઇ પણ યુવતી- ભલે પછી એ ગમે તે દેશ કે શહેરની હોય - જયારે એને પોતાના લગ્ન વિશે જાહેરમાં પુરાવા રજૂ કરવા પડે અને છતાં પતિ તરફથી એ તમામ પુરાવાને નર્યો રદિયો મળે, ત્યારે એ ભાંગી પડે. ખાસ કરીને જો પતિ બીજા લગ્ન માટે પોતાનો અસ્વીકાર કરી રહ્યો હોય.
આયેશાએ એમ પણ જણાવ્યું છે કે શોએબને તેનું વજન વધારે હોવાનું લાગતું હોવાથી એણે દિલ્હી આવીને ઓપરેશન પણ કરાવ્યું હતું. આટઆટલી સ્પષ્ટતા કરવા છતાં શોએબ મલિક તો પોતાની વાત પર જ અડગ છે, ત્યારે આયેશા સિદ્દીકીએ હવે એવું કહ્યું છે કે મને સાનિયા સામે કોઇ વાંધો નથી, પણ સચ્ચાઇ લોકો સામે આવવી જ જોઇએ. મને દુ:ખ એ વાતનું છે કે જે મારો પતિ છે એ જ દરેક વાત સ્વીકારવાની ના કહે છે. સિદ્દીકી પરિવારે શોએબ જો આયેશા સાથેના નિકાહની વાત સ્વીકારવા તૈયાર ન થાય તો કોર્ટમાં જવાની તૈયારી પણ દર્શાવી છે. હવે આ બધાંમાં એ યુવતીની મનોદશાનો વિચાર કરો કે આ ત્રિકોણનો ત્રીજો ખૂણો કોણ બનશે?

મન મોહી લે એવા મોતીના સેટ

Source: Shefali Pandya |


મોતીની ગણતરી કરી પેન્ડન્ટ ભરાવી દો. જેટલી લાંબી ઇયરિંગ્સ બનાવવી હોય, એટલા પેન્ડન્ટની બનાવી શકો


ઘરની સજાવટની વાત આવે, ત્યારે દરેક મહિલાને એમ થાય કે મને કંઇ ખાસ આવડતું હોય. તેમાંય જયારે જવેલરીની વાત આવે, ત્યારે કોઇને પણ એમ થાય મને કંઇક બનાવતાં આવડતું હોય તો કેવું સારું? એમાંય સિરિયલોમાં જે જવેલરી બતાવવામાં આવે છે એવી જવેલરી જો પહેરવાની ઇચ્છા થાય, પણ અદ્લ એવી જ જવેલરી કયાંથી લાવવી?

ત્યારે સુરતના જયશ્રીબહેન ભાવસાર એક જ વાર અલપઝલપ જો કંઇ જોઇ લે, તો અદ્લ એવી જ જવેલરી બનાવે છે. તેઓ કહે છે, ‘મારો જન્મ તો અમદાવાદમાં થયો હતો, પણ હું મોટી થઇ સુરતમાં. નાનપણમાં મને પેઇન્ટિંગ, વેસ્ટમાંથી બેસ્ટ વગેરે બનાવવાનો શોખ હતો, પણ અમે ત્રણ બહેનો અને ભાઇ એટલે દરેકના શોખ પૂરા કરવાનું તો પોસાય નહીં.
આથી મારા મમ્મીએ મને કહી દીધું કે તારે જે શીખવું હોય તે સાસરે જઇને શીખજે. અત્યારે તો ભણતર પર જ ઘ્યાન આપ. હું એસએસસી પાસ થઇ તે પછી મારા લગ્ન થયાં. સાસરે આવીને મેં મારા પતિને આગળ ભણવા વિશે વાત કરી, તો તેમના તરફથી મને સારું પ્રોત્સાહન મળ્યું. તેમણે મને ભણવાની સાથે મારા શોખ વિશે જાણીને તે પૂરો કરવાની હોંશ પણ પૂરી કરી.’
તેઓ આગળ કહે છે, ‘હું એમ્બોઝ પેઇન્ટિંગ, નિબ પેઇન્ટિંગ, વુડવર્ક, વગેરે કરવાની સાથે ઇમિટેશન જવેલરી પણ બનાવું છું. તેમાંય સિરિયલોમાં જેવી જવેલરી પહેરેલી દર્શાવવામાં આવે છે, એવી જવેલરી બનાવવામાં તો મારી માસ્ટરી છે. તદુપરાંત, જવેલરીમાં બ્રાઇડલ સેટ પણ બનાવું છું.’ જવેલરીની વાત થાય ત્યારે આપણને પણ ઇચ્છા થઇ જાય ને કે નાનકડો એવો સેટ બનાવતાં શીખીએ? તો આજે એમની પાસેથી શીખીએ, મોતીનો સેટ બનાવતાં.

મોતીનો સેટ બનાવવા માટે ગીયર વાયર, લોક, કડી-આંકડો, સફેદ મોતી, રંગીન મોતી, પેન્ડન્ટ, સ્પ્રિંગ, ઘુઘરી, કટર અને પકડ જોઇએ. સૌથી પહેલાં વાયરના એક છેડે આંકડો કે કડી ભરાવી તેને લોક કરી દો. તેમાં બીજા છેડેથી ગણતરી કરીને સફેદ મોતી પરોવો. જો તમે સાડી કે ડ્રેસને મેચિંગ સેટ બનાવવા માગતા હો, તો એવા મેચિંગ મોતી પણ ગણતરી કરીને સફેદ મોતી સાથે પરોવો. ગણતરી પ્રમાણે પાંચ, સાત, નવ એમ સફેદ મોતી પરોવી વચ્ચે વચ્ચે તમને ગમે એવી ડિઝાઇન બનાવવા રંગીન મોતી પરોવો.


જો પેન્ડન્ટવાળો સેટ બનાવવો હોય તો અડધે સુધી મોતી પરોવી સ્પ્રિંગથી પોલકીનું પેન્ડન્ટ ભરાવી દો. આ પેન્ડન્ટ પણ ત્રણ, પાંચની ગણતરી કરીને નાના-મોટા બનાવી શકાય. તે પછી ફરી પહેલાં જે રીતે ગણતરી કરીને મોતી પરોવ્યાં હતાં તેમ મોતી પરોવી છેલ્લે રાઉન્ડ વાળી લોક ભરાવી દો. નાજુક નેકલેસ તૈયાર છે.

હવે તેને મેચિંગ બુટ્ટી બનાવવા નેકલેસમાં જે પેન્ડન્ટ બનાવ્યું હોય એવા જ ડિઝાઇનની પોલકીના પેન્ડન્ટને સ્પ્રિંગમાં ભરાવી અને આંકડીયાને વાળી દો. લાંબી ઇયરિંગ્સ બનાવવી હોય તો સ્પ્રિંગમાં પેન્ડન્ટ ભરાવી તેને કટરથી કાપી બીજું પેન્ડન્ટ ભરાવો. સ્પ્રિંગ દેખાય નહીં તે માટે તેમાં ઘુઘરી ભરાવી દો. આ સેટ બે-ત્રણ વાર પહેર્યાં પછી તેને તોડીને એ જ મટિરિયલમાંથી નવો સેટ બનાવી શકાય. બસ, મોતીનો મેચિંગ, નાજુક સેટ તૈયાર છે.

ઘર શોભે કેમિકલ ફ્લાવરથી

Source: Shefali Pandya |

કેમિકલ ફલાવર બનાવવા માટે ટ્રાન્સપરન્ટ સોલવન્ટ બેઝ, પાતળો તાર, લીલા રંગની પટ્ટી કે ટેપ, દોરો અને તમને ગમતા કલર લો. પાન બનાવવા માટે લીલો રંગ જોઇશે. સૌથી પહેલાં સોલવન્ટમાં તમારે જે કલરના ફ્લાવર બનાવવા હોય તે કલર મિક્સ કરો.

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે યુવતી લગ્ન કરીને સાસરે જાય પછી એને પોતાના શોખ પૂરો કરવાનો ખાસ સમય ન રહે. ક્યારેક સમય મળી રહે તો સાસરિયા તરફથી ધાર્યો સહકાર ન મળે, પણ રાજકોટમાં રહેતાં રંજનબહેન ઝાલાના કિસ્સામાં આનાથી સાવ જ વિપરીત બન્યું છે.
આજે અઠ્ઠાવન વર્ષની ઉંમરે પણ અઠ્ઠાવીસ વર્ષની યુવતી જેવી હોંશ અને કુશળતાથી ગૃહસજાવટની વિવિધ વસ્તુઓ અને પેઇન્ટિંગ બનાવતાં રંજનબહેનના લગ્ન નાની ઉંમરમાં જ થઇ ગયા હતાં.
પોતાના અત્યાર સુધીના જીવન વિશે તેઓ કહે છે, ‘મને તો નાનપણમાં ક્યારેય આવું કંઇ બનાવવાનો શોખ નહોતો. અમારા જમાનામાં તો છોકરી થોડુંઘણું ભણે અને લગ્ન કરવા લાયક ઉંમર થાય એટલે લગ્ન કરી દેવામાં આવે.
એ જ રીતે મારો અભ્યાસ પૂરો થયા પછી લગ્ન થઇ ગયા હતાં. મારા લગ્નને અડતાલીસ વર્ષ થયા. હું સાસરે આવી ત્યારે મારા પતિ અને સસરા હેન્ડીક્રાફ્ટનું કામ ખૂબ સરસ કરતાં હોવાથી મને પણ તેમાં શોખ જાગ્યો અને ધીરે ધીરે બધી વસ્તુ બનાવતાં શીખી ગઇ.
તે પછી તો મેં અનેક વસ્તુઓ બનાવતાં શીખવવા માટે ક્લાસીસ પણ ચલાવ્યા છે અને આજે પણ ક્લાસીસ ચલાવું છું. અલબત્ત, મારા આ કામમાં અને મારી પ્રગતિમાં મને સાસરિયાંમાં સૌ તરફથી ખૂબ સહકાર મળ્યો છે.’
ફેબ્રિક પેઇન્ટિંગ, થર્મોકોલવર્ક, કોન પેઇન્ટિંગ, હેન્ડવર્ક, વુડવર્ક, સિરામિકવર્ક, એમ્બોઝ પેઇન્ટિંગ, કેમિકલ ફ્લાવર્સ વગેરે અનેક પ્રકારની ચીજવસ્તુઓ બનાવવામાં નિપુણ રંજનબહેન પાસેથી કેમિકલ ફ્લાવર કઇ રીતે બનાવવા તે વિશે જાણીએ.
કેમિકલ ફલાવર બનાવવા માટે ટ્રાન્સપરન્ટ સોલવન્ટ બેઝ, પાતળો તાર, લીલા રંગની પટ્ટી કે ટેપ, દોરો અને તમને ગમતા કલર લો. પાન બનાવવા માટે લીલો રંગ જોઇશે. સૌથી પહેલાં સોલવન્ટમાં તમારે જે કલરના ફ્લાવર બનાવવા હોય તે કલર મિક્સ કરો.
પાતળા તારને ફૂલની પાંદડીના શેપમાં વાળી તમારે જેટલી પાંદડીનું ફૂલ બનાવવું હોય એટલી પાંદડી બનાવો. તેને કલરવાળા સોલવન્ટમાં બોળી સહેજ સૂકાવા દો. ત્યાર પછી બધી પાંદડીને ફૂલના આકાર પ્રમાણે ભેગી કરી, તેને નીચે દોરાથી બાંધી અને લીલા રંગની ટેપ લગાવી દો.
આ જ પ્રમાણે પાનના શેપ બનાવી તેને પણ સોલવન્ટમાં બોળીને પાન તૈયાર કરો. આ પાનના તારને પણ ફ્લાવરની ડાળી સાથે લગાવતાં જાવ. આ રીતે ઇચ્છો એટલી ડાળીઓ તૈયાર કરીને ફ્લાવરવાઝમાં લગાવો.

કમાણી તારી-મારી-સહિયારી

Source: Shefali Pandya 'Ami'







બે વ્યક્તિની આવકને કારણે ઘરમાં બમણી આવક અને પૂરતી સગવડ મળે છે. અલબત્ત, આ બમણી આવક મેળવવા જતાં સ્ત્રીની પરંપરાગત ભૂમિકા આજે બદલાઇ ગઇ છે. એણે એકસાથે અનેક જવાબદારી નિભાવવી પડે છે. શેફાલી પંડ્યા ‘અમી’ આ બમણી જવાબદારીનું પાવર રિલેશન સમજાવે છે.

આપણા સમાજમાં સદીઓથી એ માન્યતા રહી છે કે પુરુષનું કામ પૈસા કમાવાનું અને સ્ત્રીનું કામ ઘર સંભાળવાનું અને વ્યવસ્થિત રીતે ચલાવવાનું. જો કે આજે ભારતીય સ્ત્રીએ ઘર ચલાવવાની સાથોસાથ ઘરની બહાર નીકળીને અનેક ક્ષેત્રોમાં નિપુણતા મેળવી છે.

પહેલાં એવું મનાતું હતું કે પુરુષ માત્ર પૈસા કમાઇ જાણે છે, પણ કરકસર કરીને થોડી બચત કરીને ગૃહસ્થી ચલાવવાની આવડત સ્ત્રીમાં છે. આ વાતને આજના સંદર્ભમાં જોવા જઇએ તો, સ્ત્રી સમજી-વિચારીને ખર્ચ કરે છે એટલું જ નહીં, પૈસા કમાઇ પણ જાણે છે.

અલબત્ત, મઘ્યમ વર્ગ માટે એટલું સારું છે કે ઘરમાં પતિ-પત્ની બંને કમાતાં હોવાને કારણે જરૂરિયાતની કે પછી સુખ-સુવિધાની વસ્તુઓ ખરીદવામાં મન મારીને બેસી નથી રહેવું પડતું. બીજા શબ્દોમાં, બે વ્યક્તિની આવકને કારણે ઘરમાં બમણી આવક અને પૂરતી સગવડ મળે છે. અલબત્ત, આ બમણી આવક મેળવવા જતાં સ્ત્રીની પરંપરાગત ભૂમિકા આજે બદલાઇ ગઇ છે. એણે એકસાથે અનેક જવાબદારી નિભાવવી પડે છે.

નોકરી કરવાની સાથોસાથ એણે ઘરનું સંચાલન અને બાળકોને ઉછેરવાની જવાબદારી પણ એની હોય છે. ભલે એ આર્થિક રીતે નિર્ભર બની હોય છતાં ઘર અને બાળકોની એની જવાબદારીમાં કંઇ ફેર નથી પડ્યો. હા, એટલું કહી શકાય કે આજની સ્ત્રી તો સમયની સાથે કદમ મિલાવતાં શીખી ગઇ છે, પણ પુરુષ એની માનસિકતામાંથી બહાર નથી નીકળી શક્યો. એ તો આજે પણ પોતાની પત્ની નોકરી કરવાની સાથે આદર્શ ગૃહિણી બની રહે એવું ઇચ્છે છે.

અત્યાર સુધી પરિવારમાં પતિ કમાતો હોવાથી ઘરમાં એનું વર્ચસ્વ વધારે રહેતું હતું, પણ હવે સ્ત્રી આર્થિક રીતે આત્મનિર્ભર થવાથી પરિવારની આવકમાં એનો ફાળો હોય છે. એના આત્મવિશ્વાસમાં વધારો થવાથી હવે એ પતિ પાસે પોતાને જરૂરી વસ્તુ ડરતાં ડરતાં માગવાને બદલે પોતાની ઇચ્છાનુસાર શોખપૂર્તિ અને વસ્તુની ખરીદી કરે છે. મનોવૈજ્ઞાનિકોના મતે, આના કારણે ક્યારેક દાંપત્યસંબંધ પર ગાઢ અસર થાય છે.

પરિવારમાં જે વ્યક્તિ આર્થિક રીતે વધારે સદ્ધર હોય, તેનું સ્થાન વધારે દ્રઢ ગણાય છે. મનોવિજ્ઞાનમાં આને પાવર રીલેશન કહે છે. પહેલાં પતિ કમાતો હોવાથી ઘરમાં એનું જ વર્ચસ્વ રહેતું. આજે સ્થિતિ બદલાઇ છે અને ઘરની આવકમાં પત્ની પણ સમાન ભાગીદાર બની છે. તેના લીધે પરિવાર અને સમાજમાં એનું સ્થાન દ્રઢ બન્યું છે. સંતાનોને મન પણ માનું મહત્વ વધી ગયું છે કેમ કે મમ્મી નોકરી કરવા સાથે તેમને હોમવર્કથી લઇને સ્કૂલની ફી ભરવામાં મદદરૂપ થાય છે.

આર્થિક રીતે સ્વતંત્ર બનવાથી સ્ત્રી પરિવાર અને પોતાના નિર્ણયો જાતે લેતી થઇ છે. તેના લીધે પરિવાર અને સમાજમાં એને માનસન્માન મળે છે. પત્ની આર્થિક રીતે સદ્ધર હોય તો પતિ ઇચ્છવા છતાં પોતાનું ધાર્યું નથી કરી શકતો. અલબત્ત, સમાજ ભલે ગમે એટલો આધુનિક બને કે સ્ત્રીને સમાન અધિકાર આપે તો પણ સ્ત્રી પ્રત્યે પુરુષના દ્રષ્ટિકોણમાં લગીરે પરિવર્તન નથી આવ્યું.

ભલે પતિ-પત્ની સમાન આર્થિક સમાનતા ધરાવતાં હોય છતાં પુરુષનો અહમ એવું ઇચ્છે છે કે ઘરમાં પોતે કહે એમ જ થવું જોઇએ. પત્ની નોકરી કરતી હોવાથી જીવનશૈલીમાં આવતું પરિવર્તન એને પસંદ છે, પરંતુ કારકિર્દીની દોડમાં પત્ની આગળ નીકળે કે વધારે કમાતી હોય તે વાત એનાથી સહન નથી થતી. ખરેખર તો, આજેય ભારતીય પરિવારમાં સુખદ અને સંતુલિત સ્થિતિ એ જ ગણાય છે કે ભલે પત્ની કમાતી હોય, એની આવક પતિની આવકથી ઓછી હોવી જોઇએ.

માનસિકતાની દ્રષ્ટિએ આર્થિક બાબતમાં સ્ત્રી અને પુરુષની માનસિકતા અલગ હોય છે. ભારતીય પુરુષ પોતાની આવકને પોતાની રીતે ખર્ચવાનું પસંદ કરે છે અને તે અંગે પત્નીને જાણ કરવાનું એને જરૂરી નથી લાગતું. જયારે સ્ત્રી કેરિંગ (સંભાળ લેનારી) સ્વભાવની હોય છે. એ પહેલાં પતિ, બાળકો, સંબંધીઓ, બહેનપણીઓ માટે ખર્ચ કરવાનું પસંદ કરે છે. ઉપરાંત, ભાવતાલ કરવો, ઓછી કિંમતે સારી વસ્તુ ખરીદવી અને કરકસર કરીને ઘર ચલાવવું જેવા ગુણ એનામાં જન્મજાત હોય છે.

સ્ત્રી ભલે ગમે એટલી આર્થિક સદ્ધર કેમ ન હોય, એના મનના એક ખૂણામાં આર્થિક અસુરક્ષાની ભાવના કાયમ રહેલી હોય છે. એ સતત પરિવારને કંઇ આકસ્મિત જરૂર પડે તે અંગે વિચારતી રહે છે અને તે માટે થોડી બચત પણ કરતી રહે છે. વળી, પતિને જાણ ન થાય એ રીતે છાનાં-છપનાં થોડી રકમ બચાવવાની આદત ઘણી જૂની છે.

આવા સ્વભાવને કારણે દંપતી વચ્ચે ક્યારેક મતભેદ થાય છે. એકંદરે એટલું કહી શકાય કે સ્ત્રી આર્થિક રીતે પગભર થવાની સાથે તે આત્મનિર્ભર બની છે, પરિવારનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે.

વુડ કટિંગથી બનાવેલા આકર્ષક શ્રીનાથજી

Source: Shefali Pandya 'Ami' |


નાનપણથી જ પોતાના શોખને આપમેળે વિકસાવી માતા-પિતાના પ્રોત્સાહનથી આગળ આવેલી માત્ર વીસ વર્ષની આ યુવતી અભ્યાસમાં પણ અવ્વલ રહે છે.

અભ્યાસની સાથોસાથ પોતાના શોખને વિકસાવી તેમાં પણ પ્રગતિ સાધે એવી હોંશીલી યુવતી એટલે અમદાવાદની કિંજલ જોશી. નાનપણથી આર્ટમાં રસ ધરાવતી કિંજલને પેઇન્ટિંગનો ખૂબ જ શોખ. આથી પાંચમા ધોરણમાં આવ્યા પછી કિંજલે કેન્વાસ પેઇન્ટિંગ, ફેબ્રિક પેઇન્ટિંગના ક્લાસીસ કર્યા. તે સાથે પોતાની આર્ટનો વિકાસ થાય એ માટે જાતજાતની રીતે પેઇન્ટિંગ કરતાં આપમેળે જ શીખતી રહી છે.

કિંજલને તેની કલાના વિકાસ માટે માતા-પિતા તરફથી મળતા સહકાર વિશે એ કહે છે, ‘મમ્મી-પપ્પા તરફથી મારા શોખ પૂરો કરવા માટે કયારેય કોઇ જાતની રોકટોક નથી. બલ્કે મારા મમ્મી તરફથી તો મને ઘણી વાર માર્ગદર્શન મળતું હોય છે. જેમ કે, કેવું કલર-કોમ્બિનેશન લેવું?, કેવી ડિઝાઇન સારી લાગશે વગેરે. બીજા શબ્દોમાં કહું તો, મારા મમ્મી માને પ્રેરણા પૂરી પાડે છે.’

કિંજલ ગ્લાસ પેઇન્ટિંગ, ફેબ્રિક પેઇન્ટિંગ, મ્યૂરલ પેઇન્ટિંગની સાથે વુડ કટિંગની ફ્રેમ પણ અત્યંત સુંદર બનાવે છે. આવી વુડ કટિંગની ફ્રેમ કેવી રીતે બનાવવી તે તમે પણ જાણો.

તમે જે સ્ટાઇલની ફ્રેમ બનાવવા ઇચ્છતાં હો, તેનું પોસ્ટર કે ચિત્ર લો. એના માપ અને શેપ પ્રમાણે કાર્પેન્ટર પાસે જઇને કટિંગ કરાવી લો. ત્યાર બાદ તેને વુડના બેઝ પર સ્ટિક કરો. ધારો કે તમારે શ્રીનાથજીની ફ્રેમ બનાવવી હોય તો એ ચિત્ર પ્રમાણે કટિંગ કરાવી લઇ તેને બેઝ પર લગાવો.

ત્યાર પછી તેના પર તમારા મનપસંદ અથવા તો ચિત્રમાં હોય એવા જ રંગના ફેબ્રિક કલર બજારમાંથી લાવી આ ફ્રેમ પર કલર કરો. એકાદ દિવસ સૂકાવા દો. કલર બરાબર સૂકાઇ જાય એટલે તેના પર વાર્નિશ કરો અને સ્ટોન, ડાયમંડ, લેસ વગેરેથી સજાવટ કરો. છેલ્લે તમને ગમતી હોય એવી ફ્રેમ પસંદ કરી તેનું ફ્રેમિંગ તમે જાતે કરો અથવા તો બહાર પણ કરાવી શકો.

બસ, વુડ કટિંગથી બનાવેલી શ્રીનાથજીની આકર્ષક ફ્રેમ ઘરના ડ્રોઇંગરૂમની શોભા વધારવા માટે તૈયાર છે

દિલ નહીં દિમાગને સોંપો તમારી બાગડોર

Source: Shefali Pandya |




રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે ‘લાગણીની બારીકીઓ સ્ત્રીઓ વધુ સારી રીતે દર્શાવી શકે છે’, વાત સાચી છે, પરંતુ વ્યવહારમાં આ લાગણી જ સ્ત્રીની સૌથી મોટી કમજોરી બની રહે છે. સ્ત્રી તેના મોટાભાગના નિર્ણયો દિલથી લે છે, દિમાગથી નહીં, પરિણામે ઘણી વાર હાથમાં આવેલી સફળતા સરકી જાય છે. એટલે જો ઈક્યુ (ઈમોશનલ ક્વોશન્ટ)ને બદલે આઈક્યુ (ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ)ને મહત્વ આપતાં શીખી જશો તો સમજી લો કે થઈ જશે બેડો પાર...


નેહા ૩૫ વર્ષની વર્કિંગ વુમન, પણ એનો સ્વભાવ થોડો ઉગ્ર હોવાને કારણે વારંવાર એને ગુસ્સો આવી જતો. આ કારણસર ઓફિસમાં અને ઘરમાં પણ સૌ એનાથી નારાજ રહેતાં. એણે કંઇ સારું કામ કર્યું હોય છતાં એની પ્રશંસા કરતાં બધાં અચકાતા. એને સમજાતું નહીં કે પોતે શું કરે?

આવું જ થોડાઘણા અંશે નમિતાના કિસ્સામાં બનતું. એને લાગતું કે પોતે ગમે તેટલી સારી રીતે ઘર ચલાવે છતાં એનાં સાસુને સંતોષ થતો નહીં. નમિતાનાં સાસુનું મોં કાયમ ચડેલું જ હોય. એને પણ સમજાતું નહીં કે પોતે શું કરે કે સાસુ ખુશ રહે? આ બંને કિસ્સામાં નામ અને કામનો તફાવત છે, પણ સમસ્યા બંનેની લગભગ સમાન છે. સવાલ એ છે કે તેમનો ઈક્યુ (ઈમોશનલ ક્વોશન્ટ) આઈક્યુ (ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ) પર હાવી થઈ જતો હતો, પરિણામે તેઓ સારું કામ કરતાં હોવા છતાં માર ખાઈ જતાં હતાં. સામાન્ય રીતે સ્ત્રીઓનું ભાવનાત્મક સ્તર ઘણું ઊચું હોવાથી તેઓ મોટાભાગના નિર્ણયો દિલથી લે છે, દિમાગથી નહીં, પરિણામે ઘણી વાર તેમનું મેરિટ સારું હોવા છતાં પ્રમોશન મેળવવામાં કે સફળતા મેળવવામાં પાછા પડી જતાં હોય છે. જેમ કે નેહાની જ વાત કરીએ તો ઓફિસમાં તેનો ગુસ્સો જ તેનો માઈનસ પોઈન્ટ બની ગયો હતો, પરિણામે તેનું સારું પરફોર્મન્સ પણ દબાઈ જતું હતું. સ્વાભાવિક છે કે તેના લીધે તે પ્રમોશન જેવા લાભથી વંચિત રહી જાય. આપણામાંથી ઘણાબધાં આવી સમસ્યા અનુભવતાં હોય છે.

ઓછું ભણેલાં હોય કે સુશિક્ષિત દરેકને ભાવનાત્મક સ્તરે કયારેક તો આવી કટોકટીનો સામનો કરવો પડે છે. મનોવૈજ્ઞાનિકોના મતે, સફળતા મેળવવા માટે મહેનત અને આવડતની સાથે વ્યક્તિને પોતાની ભાવના પર નિયંત્રણ રાખતાં પણ આવડવું જોઇએ. અહીં સફળતાનો અર્થ માત્ર કરિયર કે દાંપત્યની બાબતમાં જ નથી, પણ જીવનના દરેક પાસાં સાથે જોડાયેલો છે. આપણને નાનપણથી આપણી ભાવના પર નિયંત્રણ રાખવાનું શીખવવામાં આવે છે. નાની નાની વાતમાં રડવાનું નહીં, ગુસ્સે નહીં થવાનું, સામે જવાબ નહીં આપવાનો વગેરે રીતે નાનપણથી જ આપણા મનમાં નકારાત્મક બાબતોને ખાસ મહત્વ ન આપવાનું શીખવવામાં આવે છે, જે તેના જીવનમાં વણાઈ જાય છે.

મનોવિજ્ઞાનમાં કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે, ભારતીય સમાજમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ ભાવનાત્મક રીતે વધારે સંતુલિત હોય છે. તેનું કારણ તેમને નાનપણથી જ એ પ્રમાણે ઉછેરવામાં આવતી હોવાથી તેઓ કોઇ પણ પરિસ્થિતિ અને સંજોગોને સહેલાઇથી અનુકૂળ થઇ જાય છે. તેમ છતાં જીવનના મહત્વના પ્રસંગોએ તે પોતાની લાગણીઓને દબાવી શકતી નથી અને તેના માઠા પરિણામો તેણે ભોગવવાનો વારો આવે છે. એટલે જ આપણી લાગણીઓ પર આપણે નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે અને તે આપણા જ હાથમાં છે. એકલાં હોઇએ ત્યારે આત્મવિશ્લેષણ દ્વારા પોતાની લાગણીઓનું મૂલ્યાંકન કરીને ભાવનાત્મક સ્તર પર કાબૂ મેળવી શકાય છે, જેમ કે નેહા એવો નિર્ણય કરે કે ઓફિસમાં જ્યારે પણ ગુસ્સે થવાનો પ્રસંગ ઊભો થાય ત્યારે તે મનોમન ઈશ્વરના નામનું રટણ કરીને કે કેન્ટિનમાં જતી રહેશે. આ રીતે લાગણી પર નિયંત્રણ રાખવાથી ધીમે ધીમે ઓફિસમાં તેની ઈમેજ સુધરશે, જે તેના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. માટે જ્યારે એવી સ્થિતિ ઊભી થાય કે ગુસ્સો આવે અથવા નકારાત્મક ભાવ મનમાં જાગે ત્યારે તત્કાળ પ્રતિભાવ ન દર્શાવો. ધીરે ધીરે તમને ભાવના પર નિયંત્રણ રાખતાં આવડી જશે. એમાંય જો તમે ઘર કે ઓફિસમાં જવાબદારીભર્યું સ્થાન ધરાવતાં હો, ત્યારે તો આ બાબત ખાસ ઘ્યાનમાં રાખવી જોઇએ. આપણે આસપાસ રહેતી વ્યક્તિઓ સાથે આપણી ભાવનાની વહેંચણી કરીને મન હળવું કરી લઇએ છીએ. આનું કયારેક વિપરીત પરિણામ પણ જોવા મળે છે કે આપણે બીજા પર ભાવનાત્મક રૂપે વધારે પડતા આધારિત થઇ જઇએ છીએ. આ સ્થિતિ પણ યોગ્ય નથી. કોઇ પણ સંબંધ કે સ્થળમાં અંગત લાગણી માટે સ્પેસ હોવી અત્યંત જરૂરી છે, પણ સાથે એ પણ ઘ્યાન રાખવું એટલું જ જરૂરી છે કે તે તમારી નિર્ણયશક્તિ પર હાવી ન થઈ જાય. આજની મહિલાઓ માટે તો આ બાબત ખાસ જરૂરી છે કેમ કે આજે મહિલાઓ એકસાથે અનેક ભૂમિકા અદા કરતી હોય છે. આવી મલ્ટિટાસ્કિંગ મહિલાઓ જો દિમાગને બદલે દિલથી જ નિર્ણયો લે તો પોતાના કોઇ કાર્યને સફળતાપૂર્વક પાર ન પાડી શકે. જોકે એનો અર્થ એવો પણ નથી કે એણે સતત સમાધાન કરતાં રહેવું. સમય અને સંજોગોને જોઈ પ્રતિક્રિયા દર્શાવતાં શીખવાનું હોય છે. તમે સાંભળ્યું હશે કે માત્ર વાતો કરવાથી પેટ નથી ભરાતું. આ જ બાબતને આપણે જરા જુદી રીતે જીવનમાં અપનાવવાની છે. તે એ રીતે કે માત્ર લાગણીમાં તણાઇને પણ પેટ નથી ભરાતું. જરૂર લાગે તો દિલને બદલે દિમાગથી વિચારીને નિર્ણય લેવાથી વધારે સારું પરિણામ મળે છે. માટે સોંપી દો દિમાગને તમારી બાગડોર.

સાદા પૂંઠામાંથી આકર્ષક કોટન ફાઇલ-ફોલ્ડર

Source: Shefali Pandya 'Ami'


સાદા પૂંઠા પર મનગમતા રંગનું કાપડ લગાવી, તેના પર ગોલ્ડન બોર્ડર, સ્ટોન કે ડાયમંડ લગાવીને સરસ મજાનાં ફાઇલ કે ફોલ્ડર તમે જાતે બનાવીને કોઇને ગિફ્ટમાં આપો તો એકદમ ‘યુનિક’ ગિફ્ટ લાગશે.

આજકાલ ઘણા ઘરમાં આપણે જોઇએ છીએ કે મડ-મિરરથી દીવાલને અલગ જ લુક આપેલો હોય અથવા તો હાર્ડબોર્ડ પર પેપરમેશીથી સુંદર મજાના ચાકળાની ડિઝાઇન બનાવેલી હોય. અમદાવાદના લીનાબહેન રાવલ આવા પેપરમેશીના વોલપીસ, મ્યૂરલ, દીવાલ પર મડવર્ક, ટાઇલ પર એમસીલવર્ક વગેરે ઘણા વર્ષોથી કરે છે. તે સાથે છેલ્લા ત્રણ વર્ષથી ક્લાસીસ પણ ચલાવે છે.

તેઓ કહે છે, ‘મને નાનપણથી જ આર્ટ અને ક્રાફ્ટમાં રસ હતો. તેમાંય પેઇન્ટિંગ કરવાનું તો મને ખૂબ ગમતું. કોમર્સની ડીગ્રી મેળવ્યા પછી મેં આર્ટ એન્ડ ક્રાફ્ટનો કોર્સ કર્યો અને વિવિધ વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું.’

મડ-મિરર વર્ક કરવાની સાથે લીનાબહેન કોટન કે જ્યૂટના ફાઇલ-ફોલ્ડર, જ્યૂટની હેન્ડબેગ, આર્ટિફિશિયલ જ્વેલરી, વગેરે પણ બનાવે છે. જ્યૂટ કે કોટનનાં ફાઇલ કે ફોલ્ડર તમે પણ બનાવી શકો. આના માટે ૧૬X૨૦ ઇંચનું પૂંઠું લો. તેના પર તમને ગમતા રંગનું કોટન કે જ્યૂટનું એ જ માપનું કપડું લો. ફાઇલની અંદર અસ્તર લગાવવા અને ખાનાં બનાવવા માટે સફેદ કે કાળા રંગના કાપડના ૧૬X૨૦, ૧૦X૨૦ અને ૬X૨૦ના ત્રણ ટુકડા લો.

ઉપરના રંગીન સાદા કાપડ પર તમને ગમતી લેસ લગાવો. પછી તેને પૂંઠા પર આગળના ભાગ પર અને અંદર ત્રણે માપના અસ્તરના કાપડ ગોઠવી સિલાઇ કરો. હવે પૂંઠાને વચ્ચેથી વાળીને સિલાઇ કરો. ૬ ઇંચના પૂંઠાની પટ્ટી લઇ તેના પર પણ અસ્તર લગાવી દો. પંચથી કાણા પાડી તેને ફાઇલની વચ્ચે સિલાઇ કરો. ફાઇલની ચારે બાજુએ ગોઠ લગાવી દો. ફાઇલ તૈયાર છે. તેના પર તમને ગમે તો પેઇન્ટિંગ કરો અથવા સ્ટોન, મોતી વગેરેથી પણ ડેકોરેશન કરી શકો.

લુક લાઇટ વિથ બ્લેક એન્ડ વ્હાઇટ

Source: Shefali Pandya 'Ami' |


ગોઠણથી સહેજ નીચે સુધી લંબાઇ ધરાવતાં સ્કર્ટ પર બ્લેક એન્ડ વ્હાઇટ લાઇનિંગવાળું સ્લીવલેસ ટોપ પહેરેલી યુવતીની અદા જોઇને ભલભલા ફિદા થઇ જાય કે નહીં?

મોસમ બદલાય એમ ફેશન અને કલર્સમાં પણ પરિવર્તન આવતું રહે છે. કલર્સમાં સામાન્ય રીતે ઉનાળો આવે એટલે સૌ લાઇટ કલરના પોશાક પહેરવાનું પસંદ કરે છે, પણ તેમાં બે કલર એવા છે જે ક્યારેય ઓફસીઝન થતાં નથી. આ બે કલર્સ છે - બ્લેક એન્ડ વ્હાઇટ. કોલેજગોઇંગ યુવતી હોય કે વર્કિંગ વુમન દરેકના વોર્ડરોબમાં આ બે કલર્સનું કોમ્બિનેશન અચૂક જોવા મળશે. ડ્રેસ, ટી-શર્ટ-પેન્ટ, સ્કર્ટ-ટોપ કે પછી સાડી જ કેમ ન હોય? બ્લેક એન્ડ વ્હાઇટ કલર્સ એવા છે કે કોઇને પણ જોતાંની સાથે જ આ કોમ્બિનેશન ગમી જાય.

સામાન્ય રીતે ઉનાળામાં લાઇટ કલરના પોશાક પહેરવાથી ગરમી ઓછી લાગે છે અને તેમાંય વ્હાઇટ કલરમાં તો ગરમીને શોષી લેવાની ક્ષમતા રહેલી હોવાને કારણે ટોપ, કુર્તી, ટી-શર્ટ વગેરે વ્હાઇટ રંગના પહેરવાનું યુવતીઓ પસંદ કરે છે. તેની સાથે બ્લેક સલવાર, લેગિંગ્સ, પેન્ટ પહેર્યા હોય તો તમે ફેશનેબલ લાગવાની સાથે સ્ટાઇલિશ પણ દેખાવ છો.

બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશનમાં ફ્રોક સ્ટાઇલ પણ સારી લાગે છે. જ્યારે કેટલીક યુવતીઓ ફૂલ બ્લેક ફ્રોક પર વ્હાઇટ લેસનો બેલ્ટ પણ બાંધે છે. તેમાંય મોડર્ન યુવતીઓ સ્પગેટી સ્ટાઇલના બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશનના ફ્રોક, ઇવનિંગ ગાઉન, સ્કર્ટ મીડી, વગેરે વિવિધ પોશાક પહેરે છે.

આમ તો વ્હાઇટ ટોપ, કુર્તી કે ટી-શર્ટ જ સારા લાગે અને તેના લીધે ગરમી પણ ઓછી લાગે, છતાં ઘણી યુવતીઓ બ્લેક ટોપ, કુર્તી કે શર્ટ પહેરી તેની સાથે બ્લેક એન્ડ વ્હાઇટ ઇવનિંગ ગાઉન, આ જ કોમ્બિનેશનનું લોંગ સ્કર્ટ પણ પહેરવાનું પસંદ કરે છે. જ્યારે લોંગ ટી-શર્ટમાં બ્લેક એન્ડ વ્હાઇટ પટ્ટા હોય એવી સ્ટાઇલના ટી-શર્ટ યુવતીઓને વધારે ગમે છે.

ઇવનિંગ ગાઉનમાં તો વળી ફૂલ ગાઉન ભલે બ્લેક હોય, તેમાં વચ્ચે વચ્ચે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં બ્લેક ડિઝાઇન હોય તેવી રીતે સીવવામાં આવતા હોવાથી આવા ઇવનિંગ ગાઉન એકદમ ડિફરન્ટ લુક આપે છે. તો વળી, ક્યારેક ઇવનિંગ ગાઉનને વ્હાઇટ લેસ કે પટ્ટી મૂકીને વચ્ચે લોંગ બેલ્ટ બાંધવાનો હોય છે.
જે સ્ટાઇલિશ લાગે છે.

બ્લેક એન્ડ વ્હાઇટનું કોમ્બિનેશન જ એવું છે કે કિડ્ઝવેરમાં પણ તે એટલા જ પોપ્યુલર છે. નાના બાળકોને તમે કોઇ પણ કલરના કપડાં પહેરાવો, તેઓ સુંદર તો લાગવાનાં જ. છતાં કિડ્ઝવેરમાં જ્યારે આ કોમ્બિનેશનનો ઉપયોગ થાય ત્યારે આવા ફ્રોક કે સ્કટર્-ટોપ પહેરેલી નાની બાળકી પણ સુંદર મજાની ઢીંગલી જેવી લાગે.

ઓફિસવેરમાં પણ આ કોમ્બિનેશન પરફેકટ લુક આપે છે. તો હવે તમારા વોર્ડરોબમાં એક નજર કરી જુઓ કે તમારી પાસે આ કોમ્બિનેશન છે કે નહીં? હોય તો વાંધો નથી, પણ જો ન હોય તો.... તો... તો તમે એટલા તો સમજદાર છો કે તમારે શું કરવું?

બ્લેક એન્ડ વ્હાઇટનું કોમ્બિનેશન ફેશનમાં ક્યારેય જૂનું નથી થતું. તે સિમ્પલ છતાં સોબર લુક પ્રદાન કરવાની સાથે તમારી પર્સનાલિટીને પણ એવી નિખારે છે કે બે ઘડી તો કોઇ પણ વ્યક્તિ જોતી જ રહી જાય. પેન્ટ હોય કે સ્કર્ટ બ્લેકની સાથે વ્હાઇટના કોમ્બિનેશનનો ગેટઅપ જ કંઇ ઓર લાગે છે.

ઘરમાં સુખશાંતિ લાવે આકર્ષક વાસ્તુફ્રેમ

Source: Shefali Pandya 'Ami' |


એક વર્ષ વકીલાતની પ્રેક્ટિસ કરી, પણ મને લાગ્યું કે આનાથી મારા શોખ સાથે હું અન્યાય કરી રહી છું. તેથી મેં પ્રેક્ટિસ છોડીને મારા શોખને વિકસાવવાનું નક્કી કર્યું.

ઘરનાં કોર્નરમાં સરસ મજાનો વોટર ફાઉન્ટન ગોઠવેલો હોય અને તેમાંથી ખળખળ કરતું પાણી વહેતું હોય તો એ જોઇને મન ખુશ થઇ જાય ને? આવા આકર્ષક ફાઉન્ટન તેમ જ અનેકવિધ પેઇન્ટિંગ્સ, મ્યૂરલ્સ, જાતજાતની કેન્ડલ, કેલિગ્રાફી વગેરે બનાવવામાં નિપુણ અમદાવાદનાં અનંતા છેલ્લા દસ વર્ષથી આ બધું શીખવવાના ક્લાસીસ પણ ચલાવે છે.

અનંતા કહે છે,‘મને નાનપણથી જ આવી બધી વસ્તુઓ બનાવવાનો શોખ તો હતો, પણ મારા મમ્મી-પપ્પાને મન અભ્યાસનું મહત્વ વધુ હતું. આથી મેં પહેલાં મારો અભ્યાસ પૂરો કરવાનું નક્કી કર્યું અને બી. કોમ. પાસ કર્યું. તે પછી એલએલ.બી. પાસ કરી અને એક વર્ષ પ્રેક્ટિસ કરી.

હા, મારા પપ્પા મને પહેલાંથી હેન્ડીક્રાફ્ટની વસ્તુ બનાવવા માટે બુક્સ કે જે વસ્તુ જોઇએ તે લાવી આપતાં. જો કે મમ્મીનો આગ્રહ એવો રહેતો કે પહેલાં અભ્યાસ પૂરો કરવો.’

પેઇન્ટિંગ્સમાં અનંતાએ ફેબ્રિક પેઇન્ટિંગ, નિબ પેઇન્ટિંગ, કેન્વાસ પેઇન્ટિંગ, ડ્રાય પેસ્ટલ કલર્સથી પેઇન્ટિંગ જેવા વિવિધ પેઇન્ટિંગ બનાવ્યાં છે, તો ક્રાફટમાં તેઓ કેન્ડલ્સ બનાવે છે. આમાં તેઓ કોતરણીવાળી કેન્ડલ, પાઉડર વેક્સ, કોલ્ડ વેક્સ વગેરે કેન્ડલ બનાવે છે.

નાના બાળકો કેન્ડલ બનાવતાં દાઝી ન જાય તે માટે તેમને કોલ્ડ વેક્સથી કેન્ડલ બનાવતાં શીખવે છે. તે કહે છે,‘મેં માત્ર નિબ કેલિગ્રાફીના જ ક્લાસીસ ભર્યા છે. તે સિવાયની તમામ વસ્તુઓ હું જાતે જ બનાવતાં શીખી છું. ક્યારેક કોઇ ફ્રેન્ડ સાથે ફાઇન આર્ટ્સની કોલેજમાં જઇને જોઉ કે કેવી રીતે પેઇન્ટિંગ્સ, મ્યૂરલ્સ કે ક્રાફ્ટ બનાવવામાં આવે છે.’

અનંતાએ અનેક વોલપીસ પણ બનાવ્યાં છે, તેમાં વાસ્તુફ્રેમ તો એવી છે, જે જોતાંની સાથે ગમી જાય અને ઘરમાં સુખ-શાંતિ રહે. આવી ફ્રેમ તમે પણ બનાવી શકો. તે માટે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે લાકડાંને કટિંગ કરો. ત્યાર બાદ તેના પર શુભ ચિહ્નો ડ્રો કરો. એમસીલને મિક્સ કરી તેને આ ચિહ્નો પર લગાવી એમ્બોઝ કરો. તે સૂકાઇ જાય એટલે જે તે ચિહ્ન પ્રમાણે તેના પર એક્રેલિક કલર કરીને સૂકાવા દો.

તેના પર થ્રી-ડી વર્ક, કોનવર્ક કરો અને બરાબર સૂકાઇ જાય એટલે વાર્નિશ કરી દો. આ ફ્રેમને ઝીણી ઘંટડી, લેસથી ડેકોરેટ કરી દીવાલ પર લગાવો.

ગિફ્ટ સાથે શો-પીસ જેવો ડ્રાય ફ્લાવરનો બૂકે

Source: Shefali Pandya 'Ami'


ક્રિસ્ટલ કે સ્ટોન અને ફોઇલ પેપરમાંથી બનાવવામાં આવતા ડ્રાય ફ્લાવરનો બૂકે શોપીસ તરીકે અત્યંત સુંદર લાગે છે.

મૂળ દિલ્હીનાં અને ત્યાં જ મોટા થયેલાં સુષમા અગ્રવાલને નાનપણથી જ ક્રાફ્ટનો શોખ હતો. નકામા કાર્ડ, કંકોત્રીમાંથી વિવિધ પ્રકારના એન્વેલપ, કાર્ડ બનાવતાં સુષમાને માતા-પિતા તરફથી સારો એવો સપોર્ટ મળ્યો.

અભ્યાસની સાથોસાથ તેમણે પોતાની જાતે જ ફ્લાવર મેકિંગ, વિવિધ રીતનાં ગિફ્ટ પેકિંગ, ફેબ્રિક પેઇન્ટિંગ, એમ્બ્રોઇડરી વગેરે બનાવતાં શીખ્યાં. બી.એ.ની ડીગ્રી મેળવ્યાં પછી લગ્ન કરીને અમદાવાદ આવ્યાં.

અહીં આવીને તેમના શોખને પતિ તરફથી સારું પ્રોત્સાહન મળ્યું. તેઓ કહે છે, ‘લગ્ન પછી મારા શોખને પતિ તરફથી સંપૂર્ણ સહકાર મળ્યો છે. ક્યાંય એક્ઝિબિશન ભરાયું હોય કે કંઇ નોવેલ્ટી હોય તો મને તે ચોક્કસ બતાવે.

મારા બંને દીકરાઓને પણ મારી કલા ખૂબ ગમે છે.’ એ કહે છે, ‘આપણે કોઇને મેરેજ એનિવર્સરી, બર્થ-ડે કે કોઇ પ્રસંગે ફ્લાવર બૂકે આપીએ છીએ. એ બૂકેના ફૂલો એકાદ દિવસ માંડ તાજા રહે. સૂકાઇ જાય એટલે તેને ફેંકી દેવાને કારણે તેની કંઇ યાદ કે કિંમત નથી રહેતી. તેના બદલે મેં ડ્રાય ફ્લાવર બૂકે બનાવવાનું શરૂ કર્યું.

આમાં વાયર, પ્લાસ્ટિક, થર્મોકોલ વગેરેમાંથી બૂકે બનાવવામાં આવે છે. ઉપરાંત, તેમાં સ્ટોન, ક્રિસ્ટલ, રેઇનબો વાયર, મોતી, શાટિન, ગ્લિટર, કુંદન, લામસા, નેટ, વગેરેનો ઉપયોગ કરી આકર્ષક બૂકે બનાવી શકાય છે.

આવો બૂકે કોઇને ગિફ્ટ આપીએ તો તે ઘરમાં ડેકોરેટિવ શોપીસ તરીકે કામ લાગે છે અને જેને આપ્યો હોય તેને આપણી ગિફ્ટ યાદગીરી તરીકે પણ રહે છે. તેમાં અનેક વેરાયટી બની શકે છે.’

આવા ડ્રાય ફ્લાવરનો બૂકે તમે પણ બનાવીને કોઇને ગિફ્ટ આપી શકો છો. ક્રિસ્ટલનો ફ્લાવર બૂકે બનાવવા માટે પાંદડી શેપના ક્રિસ્ટલ, સફેદ કલરના ગોળ સ્ટોન, પાતળો સિલ્વર વાયર, જાડો વાયર, લીલા રંગના પાન, ફોઇલ પેપર, થર્મોકોલ ગ્લાસ લો.

સૌથી પહેલાં ક્રિસ્ટલમાં પાતળો વાયર પરોવી, તેને ફૂલ જેવો શેપ આપો. ત્યાર બાદ વચમાં સફેદ રંગનો સ્ટોન લગાવો એટલે ફ્લાવર તૈયાર થઇ જશે. આ રીતે તમે ઇચ્છો એટલા ફ્લાવર બનાવો. હવે જાડો વાયર લઇ તેમાં ઉપર વાયરને જોડી બંને બાજુએ ફ્લાવર લગાવી દો.

રીતે બધા ફ્લાવર એક વાયરમાં જોડો. તે પછી તેને લીલા રંગના પાન અને ફોઇલ પેપરથી ડેકોરેટ કરો. કાચના ગ્લાસમાં થર્મોકોલનો ટુકડો માપ પ્રમાણે કાપી તેના પર કલર કરો. તેને ગ્લાસમાં ભરાવી ફ્લાવર લગાવેલા તારને તેમાં ખોસી દો.

આ રીતે ક્યાંક ક્યાંક સિલ્વર કલરના વાયરને પણ ગોળ વાળીને ભરાવી દો. બસ, આકર્ષક ડ્રાય ફ્લાવરનો બૂકે તૈયાર છે. તેને ઘરમાં સજાવો અથવા કોઇને ગિફ્ટ પણ આપી શકો.

રકાબીમાં બનાવો ક્લેના ગણપતિ

Source: Shefali Pandya 'Ami'


નકામી બાસ્કેટમાંથી જ્વેલરી બાસ્કેટ, કાચના ગ્લાસનું પેનસ્ટેન્ડ, મીઠાઇના ખોખામાંથી જ્વેલરી બોક્સ ગમે તે નકામી વસ્તુનો કલાત્મક ઉપયોગ કરવામાં નિપુણ આનલ ત્રિવેદી...

કોઇ પણ કલાને નાનપણથી જ જો થોડું જતન કરી કેળવવામાં આવે, તો વ્યક્તિ મોટી થઇને તેમાં પોતાનું નામ પ્રખ્યાત કરી શકે. અમદાવાદમાં રહેતાં આનલ ત્રિવેદી એવી યુવતી છે, જેને નાનપણથી જ ડ્રોઇંગનો શોખ ધરાવતાં હતાં.
તેઓ કહે છે, ‘મને મારા દાદી, મમ્મી-પપ્પા તરફથી નાનપણથી જ ઘણી પ્રેરણા મળી છે. તેઓ મને કંઇ ને કંઇ બનાવવા માટે પ્રેરિત કરતાં રહે. દાદી અને મમ્મી મને સતત આઇડીયા આપે કે આમાંથી આવી કંઇક વસ્તુ બનાવી શકાય. ક્યાંક કોઇના ઘરે સારું ઇન્ટિરિયર જોઇને આવે તો પણ મને કહે.’
પોતાના શોખને વિકસાવવાની સાથે આનલે અભ્યાસને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે. એ કહે છે, ‘મેં એમ.કોમ. કર્યું છે અને તે સાથે ડ્રેસ ડિઝાઇનિંગનો કોર્સ પણ કર્યોછે. સાથોસાથ મને એમ્બ્રોઇડરીનો પણ શોખ હોવાથી તે પણ શીખી છું.’ આનલ અત્યારે જોબ કરવાની સાથે ડ્રેસ ડિઝાઇનિંગ, હેન્ડવર્ક, મશીનવર્ક કરવા ઉપરાંત પોતાના વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના શોખને પણ પૂરો કરે છે.
એણે લગ્નમાં આપવા માટે ઉપયોગી એવા વિવિધ પ્રકારના બોક્સ, ગ્લાસમાંથી પેનસ્ટેન્ડ, વિવિધ સ્ટાઇલના પોટ, ક્લેવર્ક, ક્લેમાસ્ક, વગેરે અનેક વસ્તુ બનાવી છે. રકાબીમાં આકર્ષક ગણપતિ કઇ રીતે બનાવવા તે આનલ પાસેથી જ શીખીએ.
રકાબીમાં ગણપતિ બનાવવા માટે તમારે સૌથી પહેલાં જરૂર પડશે એક રકાબી, ક્લે, ફેવીકોલ, ફેવીક્રીલ કલર્સની. ક્લેમાં ફેવીકોલ ભેળવી તેને ગણપતિનો આકાર આપી એક દિવસ સુકાવા દો. પછી તેના પર તમને ગમતો કલર કરો.
રકાબીમાં તમને મનપસંદ કલર કરો અથવા ક્રેકલ મીડિયમથી કલર કરો. હવે રકાબીની બરાબર વરચે ક્લેના ગણપતિ ફેવીકોલથી લગાવી આજુબાજુ ગ્લિટરથી આકર્ષક ડિઝાઇન બનાવો. તમે ઇચ્છો તો રકાબીને ટિપોઇ પર મૂકો કે તેની પાછળ ડટ્ટો લગાવડાવીને વોલપીસ બનાવો.



પર્લ જ્વેલરીની શાન

Source: Shefali Pandya 'Ami'


પર્લ જ્વેલરી પ્રાચીનકાળથી પહેરવામાં આવે છે. દરેક પોશાક સાથે મેચ થાય એવી આ જ્વેલરી આજની આધુનિકાને પણ અત્યંત પ્રિય છે.

આધુનિકાઓને જ્વેલરી અંગે કયારેય કહેવું પડે એમ નથી હોતું. સોના, ચાંદી, ડાયમંડ વગેરેની જ્વેલરી તો દરેક યુવતી પહેરે જ છે, પણ જયારે વ્હાઇટ ડ્રેસ કે સાડી પહેરે ત્યારે તેની સાથે જો પર્લ એટલે કે મોતીની જ્વેલરી પહેરી હોય તો વધારે સુંદર લાગે છે. પ્રાચીનકાળથી મોતીનો ઉપયોગ જ્વેલરીમાં થાય છે અને તે દેખાવમાં અત્યંત ભવ્ય લાગે છે.

મૂળ તો દરિયામાંથી મળતા આ મોતી આકારમાં એટલા બધા સારા નથી હોતા, પણ કારીગરો મોતીને ગોળ, લંબગોળ, રાઇસ મોતી, ડ્રોપ જેવા વિવિધ અને મનમોહક આકાર આપે છે. આજકાલ વ્હાઇટ, ઓફવ્હાઇટ, યલો, પિંક, બ્લ્યૂ, વગેરે અનેકવિધ રંગના મોતી મળે છે.

તેમાંથી તમે ઇચ્છો એ રંગ અને આકારના મોતીની માળા, ઇયરિંગ્સ, બ્રેસલેટ કે વીંટી બનાવડાવીને પહેરી શકો છો. ડ્રેસ અને સાડી સાથે તો મોતીની જ્વેલરી અત્યંત આકર્ષક અને પરફેક્ટ મેચ લાગે છે.

મોતીની જ્વેલરી દરેક પ્રસંગે પહેરી શકાય છે. ઘણી યુવતીઓ વ્હાઇટ ડ્રેસ કે સાડી સાથે મોતીની જ્વેલરી પહેરવાનો આગ્રહ રાખે છે. તેમાંય મલ્ટિકલરના મોતીની માળા અને બ્રેસલેટ તો દરેક પરિધાન સાથે મેચ થઇ જતાં હોવાથી મોટા ભાગે વર્કિંગ વુમન અને કોલેજ ગોઇંગ યુવતીઓ તો મોતીની જ્વેલરી પહેરવાનું વધારે પસંદ કરે છે.

ઘણા લોકો માનસિક શાંતિ માટે પણ મોતીની વીંટી પહેરે છે. પર્લ જ્વેલરી દરેક મહિલાને શોભે છે. મલ્ટિકલર મોતીની જ્વેલરી દરેક પોશાક સાથે મેચ થઇ જતી હોવાથી વધુ લોકપ્રિય છે.

ચોકલેટના રેપરમાંથી તોરણ બનાવતા હીરલબહેન

Source: Shefali Pandya 'Ami'


‘મેં નક્કી કર્યું છે કે કોઇ પણ વિકલાંગ વ્યક્તિને જો રસ હશે તો તેને મફતમાં શીખવીશ જેથી તે બહાર ન જઇ શકે, તો પણ ઘરમાં બેસીને પોતાની રીતે પગભર થઇ શકે.’

ઘરમાં કોઇના બર્થડેની પાર્ટી હોય ત્યારે ચોકલેટના રેપરથી સરસ મજાનું ડેકોરેશન કરેલું હોય તો? કંઇક અલગ લાગે ને? પણ આવું ડેકોરેશન કેવી રીતે થઇ શકે? વડોદરામાં રહેતાં ચાલીસ વર્ષના હીરલબહેન મિસ્ત્રી આવા ચોકલેટના રેપરમાંથી આકર્ષક તોરણથી લઇને વોલહેંગિંગ, મનમોહક વિવિધ પેઇન્ટિંગની સાથોસાથ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા ઉપરાંત ડાન્સ, મ્યૂઝિક, ભરતકામ વગેરેનો શોખ તો ધરાવે જ છે. તે સાથે આ બધું બાળકોને તેમ જ મહિલાઓને પણ શીખવે છે.

હીરલબહેન કહે છે, ‘હું મૂળ સૂરતની છું. ત્યાં જ મોટી થઇ. મેં ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગ કર્યું છે. મને નાનપણથી જ કંઇ ને કંઇ બનાવવાનો શોખ તેથી ગ્રીટિંગ કાર્ડ, વેસ્ટમાંથી બેસ્ટ, પેઇન્ટિંગ વગેરે કરતી રહેતી. સ્કૂલમાં હતી ત્યારે અનેક કોમ્પિટિશનમાં ભાગ પણ લીધો છે.’

હીરલબહેનના લગ્નને સોળ વર્ષ થવા આવ્યા છે. તેઓ કહે છે, ‘મારા પતિ એરફોર્સમાં હોવાને કારણે લગભગ આખા ભારતમાં તેમનું પોસ્ટિંગ થઇ ચૂક્યું છે. હાલમાં તેઓ નિવૃત્ત થવાથી અમે અહીં વડોદરામાં સેટ થયા છીએ, પણ તેમના તરફથી મારા શોખને સારું એવું પ્રોત્સાહન અને સહયોગ મળે છે.’

હીરલબહેન ટેરાકોટાના પોટ પર સિરામિક વર્ક, પીઓપી વર્ક, ચિત્ર ચોંટાડી તેને કલર્સથી એકસ્ટેન્ડ કરવાનું, ચાકળામાં ભરતકામ સાથે ફેબ્રિક પેઇન્ટિંગ, ગ્લિટરથી આઉટલાઇન આપીને અલગ રીતે સજાવવા, ચોકલેટના રેપર કે સિલ્વર-ગોલ્ડન પેપરમાંથી તોરણ, વોલહેંગિંગ, ગ્લાસ પેઇન્ટિંગથી ગ્રીટિંગ કાર્ડ વગેરે બનાવે છે. તે સાથે તેમને કુકિંગ, ડાન્સ, મ્યૂઝિક, મેંદી, બ્યૂટિ પાર્લર વગેરે વિવિધ કલામાં પણ ખૂબ જ રસ છે.

તેઓ કહે છે, ‘મારા પતિની અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ થવાને લીધે મને લગભગ દરેક પ્રાંતની રસોઇથી લઇને ભરતકલા, ભાષા વગેરે આવડે છે. કચ્છમાં એમના પોસ્ટિંગ વખતે મેં નલિયાની સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં ડાન્સ, મ્યૂઝિકના ટીચર તરીકે ત્રણ વર્ષ જોબ પણ કરી છે. ત્યાર બાદ નાના બાળકોને વિવિધ ક્રાફ્ટ શીખવવાના ક્લાસીસ પણ ચલાવું છું.’

વિધિની વક્રતાને કારણે હીરલબહેનને થોડા વખત પહેલાં અકસ્માત થવાથી તેઓ અત્યારે બહાર જઇ નથી શકતાં, પણ તેઓ ઘરમાં બેસીને આ બધી કલા બાળકો તેમ જ મહિલાઓ અને છોકરીઓને શીખવે છે. તેઓ કહે છે, ‘મારા અકસ્માત વખતે આ શોખ મને ખૂબ ઉપયોગી થયો.

હું જેટલો સમય પથારીમાં રહી, પેઇન્ટિંગ અને ક્રાફ્ટ વર્ક કરીને મેં મારી કલાને વધારે વિકસાવી. એટલું જ નહીં, મેં નક્કી કર્યું છે કે કોઇ પણ વિકલાંગ વ્યક્તિને જો રસ હશે તો તેને મફતમાં શીખવીશ જેથી તે બહાર ન જઇ શકે, તો પણ ઘરમાં બેસીને પોતાની રીતે પગભર થઇ શકે.’

સિલ્વર કે ગોલ્ડન પેપરનું તોરણ કે વોલહેંગિંગ તો તમે પણ કરી શકો છો. સિલ્વર પેપરને એક જ સાઇઝમાં કટિંગ કરી તેને સેલોટેપથી ચોંટાડો. આની જેટલી લંબાઇ રાખવી હોય તેટલું લાંબુ બનાવો. ત્યાર પછી તેને બારણાના માપ પ્રમાણે કે જો વોલ હેંગિંગ બનાવવું હોય તો તેટલી લંબાઇ રાખી પછી નીચે ઘૂઘરી કે ફૂમતાં લગાવી દો. બસ, તેને ડ્રોઇંગરૂમના બારણે કે દીવાલ પર લટકાવી દો.

ટિશ્યૂ પેપરમાંથી આકર્ષક બેંગલ્સ બનાવો

Source: Shefali Pandya 'Ami' |


‘સૌપ્રથમ વ્હાઇટ કે રંગીન ટિશ્યૂ પેપરને ત્રણ-ચાર દિવસ પાણીમાં પલાળી રાખો. તેમાં ફેવીકોલ ભેળવી ખૂબ મસળો અને લોટ જેવું બનાવો. પછી તેને સહેજ પહોળાઇમાં માપ પ્રમાણે ગ્લાસ કે એવી કોઇ ગોળ વસ્તુ પર લગાવી બેઝ બનાવો અને સૂકાવા દો. સૂકાઇ જાય એટલે તેના પર કલર કરી દો અને સ્ટોન, લેસ, ડાયમંડથી મનપસંદ ડેકોરેશન કરો. તમારા માપના આકર્ષક પાટલા તૈયાર છે. આવા પાટલા બનાવીને તમે કોઇને ગિફ્ટમાં પણ આપી શકો.’

પોતાના શોખને માતાપિતા તરફથી પ્રોત્સાહન પ્રાપ્ત થવાની સાથે એ જ ક્ષેત્રમાં આગળ વધવા મળે એથી વિશેષ શું જોઇએ? રાજકોટની વિધિ ડોડિયા એવી યુવતી છે, જેને પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધવા મળ્યું છે. બારમા ધોરણમાં હોમ સાયન્સનો અભ્યાસ કરતી વિધિને ડ્રોઇંગ અને ક્રાફ્ટનો જાણે વારસો મળ્યો છે.
એણે એક નહીં, અનેક એવી વસ્તુઓ બનાવી છે, જે જોઇને આશ્ચર્ય થાય. વિધિ કહે છે, ‘મારા મમ્મી-પપ્પા તરફથી શોખ પૂરો કરવામાં મને ખૂબ પ્રોત્સાહન અને સહયોગ મળ્યો છે. મારા પપ્પાને જ ડ્રોઇંગનો શોખ હોવાથી તેઓ નાનપણથી જ મને આ વિષયમાં આગળ વધવા પ્રોત્સાહિત કરતાં.’
વિધિએ બનાવેલા પેઇન્ટિંગમાં ફેબ્રિક પેઇન્ટિંગથી લઇને નિબ પેઇન્ટિંગ, નાઇફ, ફિંગર, દાંતિયાના દાંતાથી, સ્ટ્રોથી, બ્રેડથી વગેરે મળીને તેત્રીસ પ્રકારના પેઇન્ટિંગ બનાવ્યા છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા અંગે એ કહે છે, ‘મેં મકાઇની છાલમાંથી ફ્લાવર, બ્રેડના ફ્લાવર, પાઇનેપલની છાલ અને ટોપકાંમાંથી ફ્લાવર ઉપરાંત, લીલા નાળિયેરનો પોટ, અખરોટનો ફેસ, આઇસક્રીમની સ્ટિકનું કી-સ્ટેન્ડ, વરલીઆર્ટની વોલક્લોક વગેરે અનેક વસ્તુઓ બનાવી છે.’
આ ઉપરાંત, વિધિ હાથમાં પહેરવાના પાટલા ટિશ્યૂ પેપરમાંથી પણ બનાવે છે, જે ઇચ્છો તો તમે પણ બનાવી શકો. આવા પાટલા બનાવવા માટે વિધિ કહે છે, ‘સૌપ્રથમ વ્હાઇટ કે રંગીન ટિશ્યૂ પેપરને ત્રણ-ચાર દિવસ પાણીમાં પલાળી રાખો. તેમાં ફેવીકોલ ભેળવી ખૂબ મસળો અને લોટ જેવું બનાવો. પછી તેને સહેજ પહોળાઇમાં માપ પ્રમાણે ગ્લાસ કે એવી કોઇ ગોળ વસ્તુ પર લગાવી બેઝ બનાવો અને સૂકાવા દો. સૂકાઇ જાય એટલે તેના પર કલર કરી દો અને સ્ટોન, લેસ, ડાયમંડથી મનપસંદ ડેકોરેશન કરો. તમારા માપના આકર્ષક પાટલા તૈયાર છે. આવા પાટલા બનાવીને તમે કોઇને ગિફ્ટમાં પણ આપી શકો.’
ભવિષ્યમાં ડ્રોઇંગ ટીચર બનવા માંગતી વિધિ કહે છે, ‘મને મારા પપ્પા તો ડ્રોઇંગ અને પેઇન્ટિંગમાં મદદ કરે છે, તો મમ્મી તરફથી ક્યારેક કંઇ કલર-કોમ્બિનેશનનો આઇડિયા મળે છે. મારી ઇચ્છા ભવિષ્યમાં એક સારી ડ્રોઇંગ ટીચર બનવાની છે. હોમ સાયન્સ પૂરું કર્યા પછી મારે ફાઇન આર્ટ્સનો કોર્સ કરવો છે અને તે માટે હું ખૂબ મહેનત કરી રહી છું.’
વિધિની મહેનત ચોક્કસ ફળશે કેમ કે તેને શોખ છે અને શોખને પૂરો કરવા માટે જે ધગશ જોઇએ તે પણ એટલી જ છે. વિધિની મહેનત ચોક્કસ ફળશે કેમ કે તેને શોખ છે અને શોખને ધગશ જોઇએ તે પણ એટલી જ છે.

sajavat

સાસરિયાના સહયોગથી પાંગરેલી નિશા રાવલ

Source: Shefali Pandya 'Ami' |




લગ્ન થાય એટલે એવું જ માનવામાં આવે કે હવે બધાં શોખ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું. નિશાના કિસ્સામાં આનાથી વિપરીત બન્યું. એ કહે છે, ‘અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. લગ્નના એક વર્ષ પછી મેં દીકરાને જન્મ આપ્યો. મારા શોખને સાસરિયાં તરફથી ઘણો સહકાર અને પ્રોત્સાહન મળ્યાં. મારા પતિ મને દરેક એક્ઝિબિશન જોવા લઇ જાય, જે જોઇએ તે લાવી આપે. સાસુ તો ઘરકામમાં મદદરૂપ થવાની સાથે મને આઇડીયા આપે, દીકરાને પણ સાચવે છે.’


કંઇક કરી બતાવવાની હોંશ અને આવડત હોય,પણ સંજોગો અને સમાજને લીધે પ્રોત્સાહન ન મળે. છતાં સાસરે જઇને એ યુવતીને એની હોંશ અને શોખને પૂરો કરવા સાથ અને પ્રોત્સાહન પણ મળે તો? એ પોતાને સૌથી નસીબદાર માને કે નહીં?

વડોદરામાં રહેતાં નિશા રાવલને નાનપણથી જ પેઇન્ટિંગનો અને હેન્ડીક્રાફ્ટનો શોખ, પણ સામાજિક કારણોસર માતા-પિતા તરફથી જોઇએ એવું પ્રોત્સાહન મળતું નહીં. છતાં નિશા પોતાની રીતે તો ડ્રોઇંગ-પેઇન્ટિંગ કર્યા કરે.’ એ કહે છે, ‘અમારા પરિવારમાં છોકરીઓને ખાસ બહાર જવા દેવાનો રિવાજ નથી. તેથી મમ્મી-પપ્પા મારા શોખને જાણવા છતાં વધુ પ્રોત્સાહિત કરી શકતાં ન હતાં.

પણ સ્કૂલમાં યોજાતી ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લેવાં દેતાં હતાં. દસમા ધોરણ પછી મારી સગાઇ થઇ ગઇ. સાસુની તબિયત સારી ન રહેતી હોવાથી મારી ઉંમર અઢાર વર્ષની થતાં સુધીમાં તો મારા લગ્ન પણ થઇ ગયા’

લગ્ન થાય એટલે એવું જ માનવામાં આવે કે હવે બધાં શોખ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું. નિશાના કિસ્સામાં આનાથી વિપરીત બન્યું. એ કહે છે, ‘અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. લગ્નના એક વર્ષ પછી મેં દીકરાને જન્મ આપ્યો. મારા શોખને સાસરિયાં તરફથી ઘણો સહકાર અને પ્રોત્સાહન મળ્યાં.

મારા પતિ મને દરેક એક્ઝિબિશન જોવા લઇ જાય, જે જોઇએ તે લાવી આપે. સાસુ તો ઘરકામમાં મદદરૂપ થવાની સાથે મને આઇડીયા આપે, દીકરાને પણ સાચવે છે.’ નિશાએ અનેક ફેબ્રિક પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ, સ્ટીલના વાસણ પર કલર કરીને કોનવર્ક કરી સ્ટોનથી ડેકોરેટ કરવા, વેલ્વેટના શ્રીનાથજી, ટેરાકોટા પર ગણપતિ, શ્રીનાથજી જેવી ડેકોરેટિવ વસ્તુઓ બનાવી છે.

સંયુક્ત પરિવારમાં રહેતા હોવા છતાં આ બધું એ કેવી રીતે કરી શકે છે, તે વિશે નિશા કહે છે, ‘મને મારા પતિ અને સાસુનો ખૂબ સહયોગ મળે છે. મારા સાસુએ તો કહી દીધું છે કે હવે હું એમની દીકરી છું.

મારો શોખ પૂરો કરવા જે કરવું હોય તેની છૂટ છે. મારા સાસુ તો મેં બનાવેલી વસ્તુઓના એક્ઝિબિશન યોજવાનું પણ વિચારી રહ્યાં છે.’ દીકરીને તો સૌ પ્રોત્સાહિત કરે, પણ પુત્રવધૂને શોખ પૂરો કરવા મદદ કરવા સાથે પ્રેરિત કરે એવા પતિ અને સાસરિયાં હોય, તો એની કળા સોળે કળાએ ખીલી ઊઠે ને?

Sunday, July 18, 2010

news

દીકરીને સળગાવી દેનાર પિતા-પુરુષ!?
Source: Shefali Pandya 'Ami' | L


આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યાં છીએ. દીકરા-દીકરીને સમાન ગણતા હોવાની વાતો કરીએ છીએ. અરે! એટલે સુધી કે દીકરીને વહાલનો દરિયો ગણવામાં આવે છે. ત્યારે આવા પ્રકારની શંકા અને તેના લીધે દીકરીનો જીવ લેવા સુધીની હદ સુધી પહોંચી જવાની પુરુષની માનસિકતાને શું કહેશો? આજે દીકરીને એટલો પણ અધિકાર નથી કે પોતાના મિત્ર સાથે ફોન પર વાત કરે? જો વાત કરી તો એનો અર્થ એવો થયો કે એ ખરાબ થઇ ગઇ! કેમ પુરુષો આવું વિચારતાં હોય છે?
થોડા દિવસ પહેલાં છાપાંમાં સમાચાર વાંચ્યાં કે દીકરીના મોબાઇલ પર કોઇ છોકરાનો ફોન આવતાં પિતાએ એને સળગાવી દીધી. દીકરીને બચાવવા જતાં માતા પણ દાઝી, પણ દીકરીએ તો જીવ ગુમાવ્યો? કોમળ ફૂલ જેવી દીકરીને કેરોસીન છાંટીને ક્રૂરતાથી સળગાવી દેનાર એ પિતા માટે કયો શબ્દ વાપરવો તે સમજાતું નથી.
અત્યાર સુધી કહેવાતું હતું કે શંકાશીલ સ્વભાવ સ્ત્રીઓનો હોય છે, પણ આવા કિસ્સામાં કે કોઇ છોકરાએ ફોન કર્યો અને દીકરીના ચારિત્ર્ય પર શંકા ઉત્પન્ન થવાથી એને સળગાવી દેનારા પિતા- પુરુષને કેવા સ્વભાવનો ગણી શકાય?
આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યાં છીએ. દીકરા-દીકરીને સમાન ગણતા હોવાની વાતો કરીએ છીએ. અરે! એટલે સુધી કે દીકરીને વહાલનો દરિયો ગણવામાં આવે છે. ત્યારે આવા પ્રકારની શંકા અને તેના લીધે દીકરીનો જીવ લેવા સુધીની હદ સુધી પહોંચી જવાની પુરુષની માનસિકતાને શું કહેશો?
આજે દીકરીને એટલો પણ અધિકાર નથી કે પોતાના મિત્ર સાથે ફોન પર વાત કરે? જો વાત કરી તો એનો અર્થ એવો થયો કે એ ખરાબ થઇ ગઇ! કેમ પુરુષો આવું વિચારતાં હોય છે? આની પાછળ કઇ માનસિકતા જવાબદાર છે? એ જ ને કે પોતાની આબરૂ, પોતાના નામને આંચ ન આવવી જોઇએ.
પુરુષો આજે ભલે સ્ત્રી વિશે ઊચા અભિપ્રાય દાખવતા હોય, સ્ત્રીએ મેળવેલી સિદ્ધિને બિરદાવતાં પણ હોય, પરંતુ સમાજમાં મઘ્યમ કે નિમ્ન મઘ્યમ વર્ગના પુરુષના અંતર્મનમાં છુપાઇને પડેલો અહમ હજી આ વાસ્તવિકતાને સ્વીકારવા તૈયાર નથી. જો એમ ન હોય તો સમાજમાં આવા કિસ્સા શા માટે બને?